સૌરાષ્ટ્રમાં નવા કપાસ-મગફળીની આવક વધી ખેડૂતો વેચવા ઉતાવળા

સૌરાષ્ટ્રમાં કપાસની 60-65 હજાર મણની આવક : મગફળીની આવક 25 હજાર ગૂણીએ પહોંચી : તડકો રહે તો આવક ઝડપથી વધશે
નિલય ઉપાધ્યાય
રાજકોટ, તા. 8 ઓક્ટો.
બે-ત્રણ દિવસથી વરસાદે વિરામ લઇ લીધો છે એટલે ખેડૂતો અધીરા બન્યા છે. ઉભો પાક ફરી વરસાદી ઝાપટાંથી બગડી ન જાય તે માટે તૈયાર થયેલો મગફળી અને કપાસ સહિતનો પાક ખેતરોમાંથી ખેડૂતો  ઉપાડવા લાગ્યા છે. પરિણામે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં નવા માલની આવક ઊંચકાવા લાગી છે.
નવા કપાસની સૌરાષ્ટ્રમાં બે દિવસથી 60-65 હજાર મણની આવક થાય છે. રાજકોટ, હળવદ અને અમરેલી યાર્ડમાં નવા કપાસની આવક સૌથી વધારે છે. નવા કપાસનો ભાવ મણે રૂા. 710-1190નો બોલાયો હતો. વેપારીઓ કહે છે કપાસની આવક 15થી 20 દિવસ મોડી થઇ છે છતાં હવે ઝડપથી ઊંચકાશે. ગમેત્યારે વરસાદ ખાબકતો હોવાથી તૈયાર માલ બગડી જવાનું જોખમ રહે છે. એ કારણે ખેડૂતો માલ ખેતરમાં રાખવાને સ્થાને બજારમાં વેચવા લાગ્યા છે. હવે વરાપ રહે તો આવકો ખૂબ ઝડપથી ઊંચકાશે તેમ વેપારી વર્ગે કહ્યું હતું.
સપ્ટેમ્બર અંતથી ઓક્ટોબરના આરંભ સુધી વરસેલા ભારે વરસાદથી કપાસના પાકને નુક્સાન પણ થયું છે. પહેલી વીણીના જિંડવા ખરી ગયા છે. ઉગેલો કપાસ પણ કેટલાક વિસ્તારોમાં પલળી ગયો છે. પાકનો અંદાજ થોડો ઘટશે પણ ગયા વર્ષથી મોટું ઉત્પાદન થવાનું નક્કી છે. 
બીજી તરફ જિનિંગ મિલો ધીરે ધીરે શરૂ થવા લાગતા હવે કપાસિયા પણ તૈયાર થઇ રહ્યા છે. નવા કપાસિયા સૌરાષ્ટ્રમાં 30-35 ટકા ભેજવાળા આવે છે. છતાં અછતને લીધે રૂા. 750-765 જેટલો ઊંચો ભાવ મળે છે. જોકે રાજસ્થાનથી પણ કપાસિયાના સોદા થઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પહોંચની શરતે રૂા. 725-750ના ભાવથી કામકાજ થયા છે. બે દિવસમાં તેની ડિલિવરીઓ થવાની છે. 
બીજી તરફ મગફળીમાંય હવે આવક ઊંચકાઇ રહી છે. ખેડૂતો વરાપ નીકળતા જ ખેતરમાંથી ખેંચવા લાગ્યા છે. રાજકોટ અને ગોંડલમાં હવે રોજ 10 હજાર ગૂણી કરતાં વધારે આવક થાય છે. અન્ય સેન્ટરોમાં નાની મોટી આવકો મળીને કુલ 25-30 હજાર ગૂણીનો જથ્થો આવે છે. 
નવી મગફળીમાંથી તૈયાર થતા સીંગદાણાની માગ મહારાષ્ટ્રમાં ઊંચકાઇ છે એટલે ભાવ પણ ઐતિહાસિક ઊંચો મળે છે. સૌરાષ્ટ્રમાં હરાજીમાં નવી ઝીણી મગફળી રૂા. 700-1450 અને જાડી રૂા. 725-1025 સુધી વેચાય છે. સ્ટોકની પાઇપલાઇન ખાલી હતી એટલે હવે તહેવારોની માગ મહારાષ્ટ્ર તરફ વધી છે, દિવાળી પછી મગફળીના ભાવ ઘટશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer