વૈશ્વિક બજારમાં સિન્થેટિક હીરાની માગમાં જબરો ઉછાળો

અૉગસ્ટ માસની સિન્થેટિક-લેબગ્રોન હીરાની નિકાસ 152 ટકા વધી
ખ્યાતિ જોશી
સુરત, તા. 8 અૉક્ટો.
વૈશ્વિક બજારમાં જ્વેલરીના વપરાશમાં ધીમા પગલે મસમોટાં પરિવર્તનો આવી રહ્યાં છે. કુદરતી હીરાની માગ હંમેશાં રહે છે. પરંતુ, પાછલાં પાંચ વર્ષમાં દુનિયાભરમાં સિન્થેટિક-લેબગ્રોન હીરાની માગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઓગષ્ટ માસના જાહેર કરેલા આંકડામાં દેશમાંથી ગત વર્ષની સરખામણીએ સિન્થેટિક હીરાની નિકાસમાં 152 ટકાનો વધારો થયો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.
કુદરતી-રિયલ હીરાની પોતાની અનોખી ચમક છે. કુદરતી હીરાની ચમકને કદી સિન્થેટિક હીરો પછાડી શકે નહિ. જોકે, જે પ્રકારે પાછલા એક વર્ષમાં દુનિયાભરના દેશોને આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે અસલી હીરાની માગમાં મોટો ઘટાડો આવ્યો છે. આંકડા દર્શાવે છે કે એપ્રિલ-ઓગષ્ટ દરમ્યાન રિયલ હીરાના કામકાજમાં ઘટાડો આવ્યો છે. જેના કારણે અસલી હીરાની નિકાસમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ લોકો સિન્થેટિક હીરાની જ્વેલરી અપનાવતા થયા છે. 
સિન્થેટિક હીરાની માગમાં જબરો ઉછાળો નોંધાયો છે. સુરત સહિત ગુજરાતમાં ચાલતા સિન્થેટિક હીરાના કટિંગ-પોલિશિંગનાં કારખાનાઓમાં કામકાજમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલ-ઓગષ્ટ દરમ્યાન સિન્થેટિક હીરાની નિકાસ રૂા. 537.48 કરોડ હતી. ચાલુ વર્ષે એપ્રિલ-ઓગષ્ટ દરમ્યાનની નિકાસ 152.58 ટકા વધીને રૂા.1105.01 કરોડ નોંધાઈ છે. 
સુરતમાં 10 જેટલા મોટા એકમોમાં સિન્થેટિક હીરાનું મોટું ઉત્પાદન લેવામાં આવે છે. આ સાથે જ નાના પાયે પણ 15થી વધુ એકમોમાં સિન્થેટિક હીરાનું કામકાજ કરવામાં આવે છે. વિદેશમાં પોલિશ્ડ સિન્થેટિક હીરાની નિકાસ કરાય છે સાથે દિલ્હી, મુંબઈ, બેંગલુરુમાં સિન્થેટિક હીરાની મોટી ડિમાન્ડ છે. ઘરઆંગણાના સ્થાનિક બજારોમાં આર્ટિફિશિયલ જ્વેલરીમાં હાઈ ક્વોલિટીના સિન્થેટિક ડાયમંડને ઉપયોગમાં લેવામાં આવે છે. પાછલાં બે વર્ષમાં ઘરઆંગણાના બજારોમાં સિન્થેટિક-લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડમાં વધારો નોંધાયો છે.
અગાઉ હીરાઉદ્યોગમાં સિન્થેટિક-અસલી હીરાની ભેળસેળનો મુદો્ ચગ્યો હતો. જેના કારણે હીરાઉદ્યોગે બદનામી વહોરવી પડી હતી. જોકે, હાલમાં આ મામલે કોઈ મોટી મુશ્કેલી નથી. દેશમાં અસલી હીરાના કામકાજની સરખામણીએ સિન્થેટિક હીરાનું કામકાજ એક ટકા પણ નથી. આમ છતાં રિયલ હીરાના કામકાજમાં ઘટાડો ચિંતાનું કારણ દર્શાવે છે. આ પાછળ દુનિયામાં છવાયેલી ઘેરી મંદી છે. મંદીનાં વાદળો હટતાં હીરાનું કામકાજ વધશે તેમજ અમેરિકા-ચીનના વેપારયુદ્ધનો ફાયદો પણ ભારતના હીરાઉદ્યોગને થશે.
ન્યૂયોર્કમાં હીરા-ઝવેરાત ઉદ્યોગના નિષ્ણાત પોલી ઝિમીન્કસી દ્વારા તૈયાર થયેલા અભ્યાસના આંકડા મુજબ દુનિયાભરમાં સિન્થેટિક હીરાનું બજાર 1.9 બિલિયન છે. વર્ષ 2023 સુધીમાં 22 ટકાના વૃદ્ધિદર સાથે લેબગ્રોન-સિન્થેટિક હીરાનું બજાર વધીને 5.2 બિલિયન ડૉલર અને વર્ષ 2035 સુધીમાં 15 બિલિયન ડૉલર થશે તેવી ધારણા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer