ભારે વરસાદથી ખાણોમાં પાણી ભરાતાં કોલસાનું ઉત્પાદન 6 વર્ષના તળિયે

કોલકાતા, તા. 8 અૉક્ટો.
પા સદીના સૌથી ભારે વરસાદને કારણે ખાણોમાં પાણી ભરાઈ જવાથી સપ્ટેમ્બર મહિનામાં કોલ ઈન્ડિયાનું કોલસાનું ઉત્પાદન છ વર્ષના તળિયે પહોંચી ગયું હતું.
જાહેર ક્ષેત્રની કંપનીએ સપ્ટેમ્બરમાં 307.7 લાખ ટન કોલસો પેદા ર્ક્યો હતો જે વાર્ષિક ધોરણે 24 ટકાનો ઘટાડો દર્શાવે છે. કોલસાની રવાનગી વીસ ટકા ઘટીને 351.8 લાખ ટન થઈ હતી, જે પાંચ વર્ષમાં સૌથી ઓછી છે.
કોલસાના ખાણકામમાં વિશ્વની સૌથી મોટી કંપનીના ઉત્પાદન અને રવાનગીમાં તીવ્ર ઘટાડો થવાથી વીજળી મથકો, એલ્યુમિનિયમ સ્મલ્ટરો અને સિમેન્ટ કંપનીઓ સહિતના વપરાશકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દેશના વીજળી મથકોએ કોલસાનો સ્ટોક નવ મહિનાના તળિયે પહોંચવાથી આયાતમાં વધારો થયો છે.
આ વર્ષે ચોમાસું ઘણું વધારે સમય ચાલ્યું હોવાથી ખાણોના ઉત્પાદનને અસર થઈ છે એવું એલારા સિક્યોરિટીઝના એનાલિસ્ટ રૂપેશ સાંખેએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer