શાકભાજી, કઠોળ, દૂધ, અનાજના ભાવ વધતાં

કેરળ, કર્ણાટક સહિતનાં રાજ્યોનો ફુગાવો રાષ્ટ્રીય સરેરાશથી ઊંચો
નવી દિલ્હી, તા. 8 અૉક્ટો.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ છૂટક ફુગાવાનો આંક જોઈને ભલે રાહતનો દમ લીધો હોય અને વ્યાજ દરમાં પાંચમો ઘટાડો કરવાનો વિશ્વાસ મેળવ્યો હોય, પરંતુ કેટલાંક રાજ્યોના આ આંકડા ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
જેમ કે, કેરળે આ વર્ષે જાન્યુઆરીથી અૉગસ્ટમાં 2.87 ટકાની રાષ્ટ્રીય સરેરાશ સામે 5.19 ટકા સરેરાશ ફુગાવો નોંધાવ્યો છે. કર્ણાટકે 5.14 ટકા, આસામે 5.13 ટકા, ઉત્તરાખંડે 4.04 ટકા અને તામિલનાડુએ 3.77 ટકા ફુગાવો નોંધાવ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો છે.
આ અસમાનતાનું કારણ એ છે કે આ રાજ્યોમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શાકભાજી, કઠોળ અને અનાજના ભાવ નોંધપાત્ર રીતે વધવાને પગલે ખાદ્ય ફુગાવો ધીમે ધીમે વધી રહ્યો છે. ઉપરાંત, સરેરાશથી વધુ વરસાદને કારણે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે પાકને નુકસાન થતાં ફુગાવો વધ્યો છે.
એમ્કે વેલ્થ મૅનેજમેન્ટના રિસર્ચ વિભાગના વડા જોસેફ થોમસે કહ્યું કે ખાદ્ય ચીજોના ભાવમાં વધારો મુખ્યત્વે ફળો અને શાકભાજીની સપ્લાયમાં ઘટાડાને કારણે છે. વરસાદની અસમાન પેટર્ન, કેટલાક વિસ્તારોમાં વધુ પડતો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં અપૂરતો વરસાદ પડવાને કારણે આ જણસોની સપ્લાયને અને ભાવને અસર થઈ છે. 
બીજી તરફ વસ્ત્રો, ઘર, સ્વાસ્થ્ય, પરિવહન અને શિક્ષણનો મુખ્ય ફુગાવો ઘરઆંગણાની માગ નબળી હોવાને કારણે સતત નિરીક્ષણ હેઠળ છે. 
મોટા ભાગના રાજ્યોમાં ફુગાવાના ઊંચા દર માટે છૂટક ફુગાવામાં સૌથી વધુ 45.86 ટકા વજન ધરાવતો ખાદ્યાન્નનો ઘટક જવાબદાર છે. કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાન દેશના ફુગાવામાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે, જે મુખ્યત્વે ખાદ્યચીજોના ભાવમાં વધારાને કારણે છે.
કર્ણાટકમાં કઠોળના ભાવ જાન્યુઆરી, 2019 સુધી દબાયેલા હતા પરંતુ જાન્યુઆરી, 2019 બાદ વધવા લાગ્યા હતા અને તેને પગલે ફુગાવો પણ વધ્યો. શાકભાજીનો ફુગાવો પણ આ જ રીતે ફેબ્રુઆરીથી વધવા લાગ્યો. સરેરાશ છૂટક ખાદ્યાન્ન ફુગાવો જાન્યુઆરીથી અૉગસ્ટ દરમ્યાન કર્ણાટકમાં 3.88 ટકા હતો, જેની સામે ખાદ્યાન્ન ફુગાવાની રાષ્ટ્રીય સરેરાશ 1.3 ટકા હતી.
ઉત્તર પ્રદેશ દેશના કુલ ફુગાવામાં સૌથી વધુ 12.37 ટકા ભારણ ધરાવે છે. આ રાજ્યમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીથી અૉગસ્ટમાં 0.41 ટકાની રાષ્ટ્રીય સરેરાશ સામે ઉત્તર પ્રદેશનો સરેરાશ ફુગાવો 3.28 ટકા હતો. આ માટે કઠોળ, અનાજ, દૂધ અને દૂધની બનાવટો જેવાં મહત્ત્વનાં ઘટકોનો ભાવવધારો જવાબદાર હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer