શૅરબજારની અફરાતફરી વચ્ચે કચ્છની કંપનીઓમાં પણ ઉતાર-ચડાવ

દિવ્યેશ વૈદ્ય
ભુજ, તા. 8 અૉક્ટો.
થોડા સમય પહેલા શૅરબજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો. સરકારે કોર્પોરેટ ટૅક્સમાં નોંધપાત્ર ઘટાડો કર્યા પછીનું વિતેલું અઠવાડિયું દાયકાના સૌથી મોટા ઉછાળાનું સાક્ષી બન્યું. આ પહેલાં શૅરબજારમાં અૉગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વિક્રમી કડાકો પણ બોલી ગયો હતો. આ ઊથલપાથલ અને વૈશ્વિક મંદીના દાવા-પ્રતિદાવા વચ્ચે કચ્છમાં કામ કરતી કે એકમાત્ર નાનું એકમ ધરાવતી કંપનીઓના હાલ પણ બેહાલ થયા હતા. જોકે, બજારમાં લિસ્ટેડ હોય તેવી કેટલીક કંપનીઓ તેના સુધારાલક્ષી પરિબળોને કારણે બે ગણીથી પણ વધુ વધી ગઈ છે.
કચ્છ સાથે સંબંધ ધરાવતી પાંચ કંપનીઓની તો છેલ્લા એક વર્ષના ભાવની સરખામણી કરવામાં આવે તો ભયંકર પીટાઈ છે. માન ઈન્ડસ્ટ્રીઝ લિ.માં છેલ્લાં એક વર્ષમાં ભાવમાં 37.77 ટકાનો, ગેલન્ટ મેટલમાં 36.14 ટકાનો, સાંઘી ઈન્ડસ્ટ્રીઝમાં 25.99 ટકાનો, સાલ સ્ટીલમાં 43.77 ટકાનો અને સૌથી નોંધપાત્ર સુઝલોન એનર્જી લિ.માં 54.12 ટકાનો કડાકો બોલી ગયો છે.
છેલ્લાં એક વર્ષમાં સેન્સેક્ષમાં 7.16 ટકાનો સામાન્ય વધારો નોંધાયો હતો, પરંતુ ભારે અફરાતફરી અને વિક્રમો છેલ્લા બે મહિનામાં જોવા મળ્યા. ગત 19મી સપ્ટેમ્બરના 36,093.41ના સ્તરે રહેલો ભાવાંક 24 સપ્ટેમ્બરના સીધો 3004 આંક રોકેટની જેમ વધીને 39,097.44 પર પહોંચી ગયો. આ પહેલાંના ટૂંકાગાળામાં જ તે 33,291.58 સુધી ઊતરી ગયો હતો. જોકે, આ ઉતાર-ચડાવના દોરમાં કચ્છમાં કાર્યરત કંપનીઓએ સારો દેખાવ પણ કર્યો છે.
કચ્છના વિકાસનું મહત્ત્વનું પરિબળ અને દેશનું શિરમોર ખાનગી આધુનિક બંદર અદાણી પોર્ટ ઍચન્ડ એસઈઝેડનો શૅર ગત વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ 24.23 ટકા વધ્યો છે, એ જ રીતે રત્નમણિ મેટલ્સ ઍન્ડ ટયુબ્સના શૅરમાં 14.25 ટકાનો, જિંદાલ સો લિ.માં 18.40 ટકાનો ઉછાળો જોવામાં આવ્યો છે. જોકે, સૌથી નોંધપાત્ર પરિવર્તન એક સમયે પીટાઈ ગયેલા અદાણી પાવર લિ.ના શૅરમાં જોવામાં આવ્યું. મુંદરા પાસે પણ 4620 મેગાવોટની ક્ષમતાનું થર્મલ આધારિત યુનિટ ધરાવતી આ કંપનીનો શૅર એક વર્ષમાં 157.19 ટકા ઊંચે ચડી ગયો છે. એ જ રીતે જે કંપનીના કર્મચારીઓની છટણીના હેવાલો બહાર આવ્યા હતા તે પારલે ઈન્ડસ્ટ્રીઝ લિ.નો શૅર બેવડાથી વધુ 139.33 ટકા વધ્યો છે.
આ સિવાય પણ કચ્છની કંપનીઓની ગતિવિધિ નોંધપાત્ર રહી છે, એ આ સાથે કોઠામાં દર્શાવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer