અમેરિકા-ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત પહેલાં એશિયન બજારો વધ્યાં

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 8 અૉક્ટો.
અમેરિકા-ચીનની ઉચ્ચ સ્તરીય વાતચીત વચ્ચે એશિયાનાં બજારોમાં વધારો જોવા મળ્યો હતો. જપાન, દક્ષિણ કોરિયા, ચીન અને હૉંગકૉંગના અગ્રણી સૂચકાંકો ઊંચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા.
નિક્કી 225 સૂચકાંક 0.99 ટકા વધીને 21,587.78 વધ્યો હતો, જ્યારે ટોપિકસ ઈન્ડેક્સ 0.87 ટકા વધીને 1586.50 રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પિ ઈન્ડેક્સ 1.21 ટકા વધીને 2046.25 રહ્યો હતો. આ વૃદ્ધિનું મુખ્ય કારણ સેમસંગના શૅર્સમાં 2.41 ટકાનો વધારો હતો. ટેક્નૉલૉજીની આ અગ્રણી કંપનીએ ત્રીજા ત્રિમાસિકના અંદાજ વ્યક્ત ર્ક્યા હતા, જેમાં ગત વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ કાર્યકારી નફો અડધાથી વધુ ગણાવ્યો છે.
શાંધાઈનો કોમ્પોસિટ 0.29 ટકા વધીને 2913.57, શેનઝેન કોમ્પોસિટ 0.21 ટકા વધીને 1598.64 અને શેનઝેન કોમ્પોનન્ટ ઈન્ડેક્સ 0.3 ટકા વધીને 9474.75 રહ્યો હતો.
હૉંગકૉંગમાં હેન્ગસેંગ ઈન્ડેક્સ 0.51 ટકા વધ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો બેન્ચમાર્ક એએસએક્સ-200 સૂચકાંક 0.45 ટકા વધીને 6593.40 રહ્યો હતો. આ સૂચકાંકમાં લગભગ બધાં ક્ષેત્રો વધ્યાં હતાં. નેશનલ ઓસ્ટ્રેલિયા બૅન્કનો શૅર 0.61 ટકા વધ્યો હતો, કોમનવેલ્થ બૅન્કનો 0.85 ટકા વધ્યો અને વેસ્ટપેકનો શૅર 0.24 ટકા વધ્યા મથાળે ટ્રેડ થઈ રહ્યો હતો.
એએનઝેડ રિસર્ચના રાહુલ ખારેએ કહ્યું કે, રોકાણકારો અમેરિકા-ચીન વેપાર વાતચીત તેમ જ બ્રેકિસટ ઉપર ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં રોજગાર ઘટતા અને કામકાજના પરિબળો ઘટતા ફેડના વલણ ઉપર પણ ધ્યાન આપશે.
વિશ્વના બે મોટા અર્થતંત્ર વચ્ચે ગુરુવારથી ઉચ્ચ સ્તરીય વેપાર વાતચીત શરૂ થવાની છે, પરંતુ અહેવાલ આવ્યા છે કે ચીનના અધિકારીઓ અમેરિકા સાથે ટ્રેડની વ્યાપક વાતચીત કરે એ બાબતે અનિશ્ચિતતા છે. સોમવારથી બંને દેશના ડેપ્યુટી ટ્રેડ નેગોશિયેટરે ટ્રેડ વોરનો અંત લાવવા માટે વાતચીત શરૂ કરી છે.
પરંતુ આ અઠવાડિયામાં વાટાઘાટોના નવા ડેવલપમેન્ટથી ચિત્ર અટપટું થવાની સંભાવના છે. અમેરિકાના વાણિજ્ય વિભાગે સોમવારે 28 ચાઈનીઝ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી. આ કંપનીઓમાં ચીનની ટેક કંપનીઓ જેવી કે સેન્સટાઈમ ગ્રુપ, વીડિયો સર્વેલન્સ કંપની હેંગઝોઅુ હિકિવિઝન, શેનઝેન લિસ્ટેડ ઝીજિંગ દહાઅુ ટેક્નૉલૉજી અને ઈન્ફલિટેકનો સમાવેશ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer