મારુતિ સુઝુકીએ સતત આઠમા મહિને ઉત્પાદન ઘટાડયું

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 8 અૉક્ટો.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં સતત આઠમા મહિને ઉત્પાદન 17.48 ટકા ઘટાડયું છે.
સપ્ટેમ્બરમાં કંપનીએ 1,32,199 યુનિટ્સનું ઉત્પાદન કર્યું હતું. જ્યારે ગત વર્ષના સમાન મહિનામાં 1,60,219 યુનિટ્સનું ઉત્પાદન કર્યું હતું. પેસેન્જર વાહનોનું ઉત્પાદન 1,30,264 યુનિટ્સનું હતું. સપ્ટેમ્બર, '18માં 1,57,659 યુનિટ્સ હતું, જે 17.37 ટકાનો ઘટાડો દર્શાવે છે.
અલ્ટો, નવી વેગનઆર, સિલેરિયો, ઇગ્નિસ, સ્વિફટ, બલેનો અને ડિઝાયર સમાવિષ્ટ મિનિ અને કોમ્પેકટ સેગમેન્ટ કારનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 14.91 ટકા ઘટીને 1,15,576 યુનિટ્સથી 98,337 યુનિટ્સ થયું છે. આવી જ રીતે વિટારા બ્રિઝા, અર્ટિગા અને એસ-ક્રોસ સમાવિષ્ટ યુટિલિટી વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 17.05 ટકા ઘટયું છે, જે 22,226 યુનિટ્સથી ઘટીને 18,435 યુનિટ્સનું થયું છે.
મિડ-સાઈઝ સિડાન સિયાઝનું ઉત્પાદન 4739 યુનિટ્સથી ઘટીને 2350 યુનિટ્સ થયું છે. લાઈટ કમર્શિયલ વ્હીકલ સુપર કેરીનું ઉત્પાદન સપ્ટેમ્બર, 2018ના 2560 યુનિટસથી ઘટીને આ વર્ષના સપ્ટેમ્બરમાં 1935 યુનિટ્સનું થયું છે. અૉગસ્ટમાં કંપનીએ ઉત્પાદન 33.99 ટકા ઘટાડયું હતું.
સપ્ટેમ્બરમાં તાતા મોટર્સનું ઉત્પાદન ગત સપ્ટેમ્બરના 18,855 યુનિટ્સથી 63 ટકા ઘટીને 6976 યુનિટ્સ થયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer