ફેસલેસ ઈ-એસેસમેન્ટ પ્રણાલી શરૂ

આઈટી વિભાગે 58 હજાર કેસોમાં નોટિસો મોકલી
એજન્સીસ
નવી દિલ્હી, તા. 8 અૉક્ટો.
આવકવેરા ખાતાએ ફેસલેસ ઈ-એસેસમેન્ટ સિસ્ટમ મારફત 58,322 કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા દરેક શ્રેણી હેઠળ નોટિસો મોકલાવી છે.
આમાં મોટા ભાગના કેસોમાં કરદાતા અને રિટર્નિંગ અૉફિસર એકબીજાની સન્મુખ આવતા નથી. આ નોટિસો આઇટીઆર-1થી આઈટીઆર-7 સુધીની દરેક કૅટેગરીમાં મોકલવામાં આવી છે. આમાં 3517 કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
આ નવી પ્રણાલી ચહેરાવિહોણી કહેવાય છે પણ કરદાતાને વીડિયો કોન્ફરન્સિંગ મારફત રજૂઆત કરવાનો અવકાશ રહે છે.
નવી દિલ્હીમાં સાકેતમાં નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન રેવન્યુ સેક્રેટરી અજયભૂષણ પાંડેએ સોમવારે કર્યું હતું.
ચહેરાવિહોણી ઈ-એસેસમેન્ટ સિસ્ટમથી આકારણી પ્રક્રિયામાં કાર્યક્ષમતા, પારદર્શકતા અને જવાબદારી વધશે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન અગાઉ આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનાં હતાં. આમ છતાં તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથેની બેઠકોમાં વ્યસ્ત રહેવાથી સેન્ટરનું ઉદ્ઘાટન કરી શકયાં નહોતાં.
નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર (એનઈએસી) તમામ નોટિસો મોકલવા અને ઇલેક્ટ્રોનિકલી સંદેશાવ્યવહાર કરવાની ટોપ બોડી રહેશે. તેની નીચે 8 પ્રાદેશિક ઈ-એસેસમેન્ટ સેન્ટરો (આરઈએસી) રહેશે. આ પ્રાદેશિક સેન્ટરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ, પુણે, બેંગલોર, હૈદરાબાદમાં રહેશે. આ સેન્ટરોમાં 4 યુનિટો હશે- જેમાં ટેક્નિકલ, રીવ્યુ, એસેસમેન્ટ, વેરીફિકેશન યુનિટ હશે. અસેસમેન્ટ યુનિટ ઇસ્યુ ઓળખી કાઢશે, માહિતી મેળવશે અને મટીરીયલનું વિશ્લેષણ કરી ડ્રાફ્ટ એસેસમેન્ટ અૉર્ડર તૈયાર કરશે. વેરીફિકેશન યુનિટ તપાસ કરશે, હિસાબના ચોપડા તપાસશે, સાક્ષીઓની પરીક્ષા કરશે અને વીડિયો કોન્ફરન્સિંગ મારફત સ્ટેટમેન્ટ રેકર્ડ કરશે.
ટેક્નિકલ યુનિટ કાનૂની સલાહ ઉપરાંત એકાઉન્ટિંગ, ફોરેન્સિક, ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી, વેલ્યુએશન, ટ્રાન્સફર પ્રાઇસિંગ અને ડેટા એનાલિટીકસ ઇસ્યૂઓ અંગે સલાહ આપશે. રીવ્યુ યુનિટ જે હશે તે ડ્રાફ્ટ એસેસમેન્ટ અૉર્ડરનું રીવ્યુ કરશે. મટિરીયલ પુરાવાને રેકર્ડ પર લેવા કે ન લેવા તે નક્કી કરશે. પોઇન્ટ્સ અૉફ ફેક્ટસ અને કાયદાને ઇનકૉર્પોરેટ કરવાનું નક્કી કરશે. અદાલતી ચુકાદાઓ અને એરીથમેટીક સત્યના વપરાશનું પણ તે નક્કી કરશે.
એનઈઆરસી અૉટોમેટેડ એલોકેશન સિસ્ટમ મારફત એસેસમેન્ટ યુનિટ, વેરીફિકેશન યુનિટ અને ટેક્નિકલ યુનિટને કેસો ફાળવશે. ત્યારબાદ તે ડ્રાફટ એસેસમેન્ટ અૉર્ડરની રીવ્યુ માટે પસંદગી કરશે અને ઓટોમેટેડ એલોકેશન સિસ્ટમ મારફત રીવ્યુ યુનિટને ફાળવશે.
એનઈએસી અૉર્ડર ફાઇનલ કરતાં પૂર્વે સંબંધિત કરદાતાને તક આપશે. એસેસમેન્ટ અૉર્ડર નક્કી થયા બાદ તે તમામ ઇલેટ્રોનિક રેકર્ડસ દંડ વસૂલાત જેવા પોસ્ટ-એસેસમેન્ટ કામ માટે જ્યુરીસડીડકશનલ અસેસીંગ અૉફિસરને ટ્રાન્સફર કરાશે.
સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) ચૅરમૅન પીસી મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન આકારણી વર્ષના ક્રૂટિનીના તમામ પસંદ કરાયેલા કેસો આવતા સપ્ટેમ્બર સુધીમાં બંધ કરવાના રહેશે. અગાઉના વર્ષ માટેના ક્રૂટિનાઇઝ કેસો પણ ઈ-એસેસમેન્ટ ધોરણે છે અને તે જ્યુરીશ ડિકશનલ છે. આમ છતાં ચાલુ વર્ષ માટે પસંદ કરાયેલા કેસો અૉટોમેટીક એ લોકેશન સિસ્ટમના આધારે કોઈપણ સ્થળે જઈ શકશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer