આંતરરાષ્ટ્રીય રબર વાયદામાં સટ્ટાનો અતિરેક

આંતરરાષ્ટ્રીય રબર વાયદામાં સટ્ટાનો અતિરેક
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 8 અૉક્ટો.
સટ્ટાના અતિરેકનો ભોગ બનેલી ચીન સરકારની માલિકીની ચોન્ગક્વિગ જનરલ ટ્રેડિંગ કેમિકલ (સીજીટીએસ)એ આખા વિશ્વની રબર બજારને નવાં તળિયાં શોધતી કરી દીધી છે. એક ભારતીય આયાતકારે કહ્યું હતું કે ચીનના કુલ રબર પુરવઠામાં 33 ટકાનો હિસ્સો ધરાવતી સીજીટીએસ કંપની ભાવની ગણતરીમાં ક્યાંક ગોથું ખાઈ ગઈ હતી. ગત સપ્તાહે આ કંપનીએ તેનાં તમામ નવાં ફિઝિકલ ટ્રેડિંગના સોદા રદ કરી નાખવાની નોટિસ આપી કે તરત જ એશિયન રબર માર્કેટમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. શક્યતા એવી પણ છે કે કળણમાં ખૂંપેલી રબર બજારને બહાર આવતાં થોડો વધુ સમય લાગી જશે. આમ પણ રબર ઉદ્યોગ માલબોજાને લીધે નિકાસ સોદામાં મર્યાદા, કેટલાક દેશોમાં દુષ્કાળ જેવી સ્થિતિ, પૂરનો પ્રકોપ, રબરનાં વૃક્ષોને રોગચાળા સહિતની અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હતો.  ત્યાં ચીનની નવી મોકાણ સામે આવી હતી. 
ટોકિયો, શાંઘાઈ, ભારત, સિંગાપુર સહિતનાં એક્સ્ચેન્જો પર રબર વાયદા 8 વર્ષ અગાઉની સર્વોચ્ચ સપાટીએથી 60 ટકા તૂટી ગયા છે.  સીજીટીએસની મહિલા પ્રવક્તાએ અન્ય કોઈ માહિતી આપવાનું ટાળીને માત્ર એટલું જ કહ્યું હતું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ચીને ગત વર્ષે 26 લાખ ટન રબર આયાત કર્યું હતું, તેમાં આ કંપનીની આયાત 16 લાખ ટન હતી. સીજીટીએસ કંપનીએ તેના તમામ સોદા રદ કરી નાખ્યા હોવાથી વર્ષાંત સુધીનાં શિપમેન્ટ પણ અટકી પડશે. હવે ખેલાડીઓએ જોવાનું છે કે આની અસર રબર ઉત્પાદક દેશો પર કેવીક પડે છે. શક્યતા એવી છે કે ઉત્પાદક દેશમાં માલભરાવો થશે અને હાજર કરતાં વાયદાના ભાવ નીચે (ઊંધા બદલા) જતા રહેશે. 
માર્ચ વાયદો ટોકિયો કોમોડિટી એક્સચેન્જ પર સતત સાત ટ્રેડિંગ સત્ર સુધી ઘટ્યા પછી શુક્રવારે કિલો દીઠ 1.5 યેનના મામૂલી સુધારે 157.1 યેન (1.47 ડોલર) બંધ થયો હતો. વાયદો સતત ત્રીજા સપ્તાહે 2.7 ટકા ઘટ્યો હતો. 1થી 7 ઓકટોબર સુધી શાંઘાઈ કોમોડિટી એક્સચેન્જ બંધ રહેવાનું છે. આ અગાઉ 30 સપ્ટેમ્બરે બેન્ચમાર્ક વાયદો 11470 યુઆન (1600 ડોલર) પ્રતિ ટન બંધ રહ્યો હતો. વર્ષારંભે આ વાયદો 11450 યુઆન હતો. સિંગાપુર સીકોમ એક્સચેન્જ પર નવેમ્બર વાયદો શુક્રવારે કિલો દીઠ 0.2 ટકા વધી 124.9 અમેરિકન સેન્ટ પ્રતિ કિલો બોલાયો હતો.  
ડિરેક્ટોરેટ જનરલ ઓફ કમર્શિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટેસ્ટીકસના આંકડા કહે છે કે ભારતમાં ઓગસ્ટમાં કુદરતી રબરની આયાત 13.5 ટકા વધીને 57821 ટન થઇ હતી. જાન્યુઆરી-ઓગસ્ટમાં આયાત 2.57 લાખ ટન નોંધાઈ હતી. ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ પર રબર ઓકટોબર વાયદાએ ક્વિન્ટલ દીઠ રૂા. 11990ની 11 મહિનાની બોટમ બનાવી હતી. થાઈલેન્ડમાં આરએસએસ-3 વેરાઈટીના ભાવ 1.23 ડોલર ઘટીને 100 કિલો દીઠ 141.40 ડોલર રહ્યા હતા.
સીજીટીએસ કંપની સાથે કામ કરતા વેપારીઓ કહે છે કે અમે 1 લાખ ટન રબર કંપનીને ઉધાર વેચ્યું હતું પણ તેના પૈસા અમને હજુ સુધી મળ્યા નથી. સામે પક્ષે કંપની હજુ સુધી ટાયર ઉત્પાદકો અને સ્થાનિક ટ્રેડિંગ હાઉસોના કરારો પણ પૂર્ણ નથી કરી શકી. વેપારીઓ કહે છે કે અત્યાર સુધી સીજીટીએસ કંપની હાજર અને વાયદા બજારમાં વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત મનાતી હતી. રબર બજારમાં ભારે ઊથલપાથલ થઇ ગયા બાદ હવે કંપની પોતે પણ રોકડ પ્રવાહિતાની ભારે મુશ્કેલી અનુભવી રહી છે. વૈશ્વિક અર્થતંત્રો નબળાં પડી રહ્યા છે, તેને ગણતરીમાં લીધા વગર કંપનીએ કાગળ પેન્સિલ પરના મોટા બેતરફી સોદા કર્યા તેનું આ પરિણામ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer