ઓરિસ્સા સરકારે લોખંડ અને મેંગેનિઝની દસ ખાણ માટે ઓફર મગાવી

ઓરિસ્સા સરકારે લોખંડ અને મેંગેનિઝની દસ ખાણ માટે ઓફર મગાવી
ભુવનેશ્વર, તા. 8 અૉક્ટો.
ઓરિસ્સા સરકારે લોખંડ અને મેંગેનીઝ ધરાવતાં દસ ભૂમિક્ષેત્રોમાં ખાણકામ લાઇસન્સ માટે નાણાકીય અને ટેક્નિકલ અૉફરો મગાવી છે.
કેન્દ્ર સરકારે ઓરિસ્સામાં કાચું લોખંડ અને સંલગ્ન ખનિજોના ખાણકામ ક્ષેત્રના વિસ્તારની મર્યાદા 10 ચો.કિમીથી  વધારે 58 ચો.કિમી  કરી આપી છે. આ વધારાની રાહ જોઇને રાજ્ય સરકારે લોખંડ અને મેંગેનીઝનાં ક્ષેત્રોનું લિલામ મોકૂફ રાખ્યું હતું.
દસમાંથી સાત ખનિજ ક્ષેત્રો માત્ર કાચું લોખંડ ધરાવે છે. બાકીનાં ત્રણ ક્ષેત્રોમાં લોખંડ અને મેંગેનીઝની કાચી ધાતુઓ જોડાજોડ પડેલી છે. દસમાંથી પાંચ ક્ષેત્રો ચોક્કસ ઉપયોગ માટે અનામત રખાયાં છે. થાકુરાની, જરીબહાલ, રોઇડા-બે, નારાયણપોશી અને ગનુઆ ચોક્કસ ઉપયોગ વિશે હજી અસ્પષ્ટતા પ્રવર્તે છે. કારણ કે મોટી ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કંપનીઓને અને સ્પોન્જ આયર્ન, પેલેટ તથા પિગઆયર્ન જેવા સેકન્ડરી ઉત્પાદકોને કેટલાં ક્ષેત્રો ફાળવાશે તે સ્પષ્ટ નથી.
રાજ્ય સરકારે સેકન્ડરી સ્ટીલ પ્લાન્ટ્સને પણ ચોક્કસ હેતુવાળા ક્ષેત્રોમાં સામેલ કર્યા હોવાથી ખનિજ લોખંડ માટે જોરદાર બિડિંગ થવાની શક્યતા છે.
પ્રસ્તુત લિલામ એમએસટીસીના ઓનલાઇન પ્લેટફોર્મ પર યોજાશે. રાજ્ય સરકારે નાણાકીય અને ટેક્નિકલ અૉફરો પ્રત્યક્ષ તેમ જ ડિજિટલ બંને સ્વરૂપે મગાવી છે. ટેન્ડર દસ્તાવેજો ખરીદવા માટેની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે. બીડરો તેમની અૉફર 18 નવેમ્બર સુધી આપી શકશે એમ રાજ્ય સરકારનું એક નોટિફિકેશન જણાવે છે.
નુઆગાંવ અને ગનુઆનાં લોખંડના ક્ષેત્રોની લીઝ હાલ અહલુવાલિયા ગ્રુપ પાસે છે જ્યારે જિલિંગ લાંગલોટા ક્ષેત્રની લીઝ એસેલ માઇનિંગ પાસે છે. આ ત્રણે ક્ષેત્રો વધુ મહત્ત્વનાં મનાય છે. અને તેમની લીઝ પૂરી થતી હોવાથી લિલામમાં મુકાયાં છે. તમામ વેપારી ખાણોની લીઝ 31 માર્ચ 2020 સુધીમાં પૂરી થાય છે.
હવે પછીના તબક્કામાં ઓરિસ્સા સરકાર બીજાં દસ ભૂમિ ક્ષેત્રો માટે ટેન્ડરો મગાવનાર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer