એમએમટીસીએ કાંદાની આયાત માટે બીડ મગાવ્યાં

એમએમટીસીએ કાંદાની આયાત માટે બીડ મગાવ્યાં
નવી દિલ્હી, તા. 8 અૉક્ટો.
કાંદાનો 15,000 ટનનો બફર સ્ટોક ગોદામોમાં સડી જતાં સરકાર હસ્તકની કંપની એમએમટીસીએ 2000 ટન કાંદાની આયાત માટે ટનદીઠ 352 ડૉલર (આશરે રૂા. 24,992)ના મહત્તમ ભાવે નવાં બીડ મગાવ્યાં છે. બીડની માન્યતા 17મી અૉક્ટોબર સુધીની છે. મહારાષ્ટ્રથી કાંદાનો નવો પાક બજારો સુધી પહોંચે ત્યાં સુધી ભાવ નીચે જળવાઈ રહે તે માટે આ મહિનાના અંત સુધીમાં આયાત કરાતાં કાંદાની ડિલિવરીની માગ કરવામાં આવી છે. દેશભરમાં કાંદાના કુલ ઉત્પાદનમાંથી 35 ટકા ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. નવેમ્બરની મધ્યે બજારમાં નવી આવક આવે તેવી સંભાવના છે.
સરકારે સપ્ટેમ્બરમાં પણ 2000 ટન કાંદા આયાત કરવા માટે બીડ મગાવ્યાં હતાં, જેની ડિલિવરી નવેમ્બરનાં અંત સુધીમાં નક્કી કરાઈ હતી. 
અધિકારીઓએ જણાવ્યું કે જો કાંદાને યોગ્ય રીતે સંગ્રહવામાં આવ્યા હોત તો આયાત કરવાની જરૂર ન પડત. આ મહત્ત્વપૂર્ણ સમયે 15000 ટન કાંદાનો વેડફાટ દુ:ખદ ગણાય. ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે કાંદાના 56,000 ટનના બફર સ્ટોકમાંથી હજુ 25,000 ટન સ્ટોક પડયો છે, જ્યારે 18,000 ટન કાંદા પ્રતિ કિલો રૂા. 23.9ના ભાવે વેચવામાં આવ્યાં હતાં. ઉપરાંત, ભેજને કારણે કાંદા સડી જતા 15,000 ટન કાંદા ફેંકી દેવા પડયા છે.
કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારનો બગાડ સંભવ છે, પરંતુ તે 5-10 ટકાથી વધુ ન હોવો જોઈએ. ઓછા બફર સ્ટોકમાંથી પણ 25 ટકા જેટલો બગાડ થાય તે ચેતવણીરૂપ કહેવાય.
ઓનિયન એક્સ્પોર્ટર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ અજીત શાહે જણાવ્યું કે સરકારે આયાતનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે કાંદા સપ્ટેમ્બરનાં અંત સુધીમાં બજારમાં પહોંચે. નવેમ્બરની મધ્યે કર્ણાટક અને મહારાષ્ટ્રથી કાંદાની નવી આવક શરૂ થશે એટલે સપ્લાય વધતાં ભાવ વધુ ગગડશે. એટલે, આયાતનો સમય અતાર્કિક જણાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer