ચોમાસું સારું હોવાને પગલે અનાજનું ઉત્પાદન વધીને 1.41 કરોડ ટન થશે

ચોમાસું સારું હોવાને પગલે અનાજનું ઉત્પાદન વધીને 1.41 કરોડ ટન થશે
મગ, ચોખા, મકાઈ અને બાજરીમાં વાવેતર વધવા છતાં ઉત્પાદન ઘટશે
મુંબઈ, તા. 8 અૉક્ટો.
છેલ્લાં 25 વર્ષમાં આ વર્ષે સૌથી સારું ચોમાસું હોવાને કારણે અનાજનું કુલ ઉત્પાદન છેલ્લાં પાંચ વર્ષની સરેરાશથી 84 લાખ ટનના નજીવા વધારા સાથે 1.41 કરોડ ટન નોંધાય તેવી ધારણા છે. દેશના 84 ટકા વિસ્તારોમાં ચોમાસું સામાન્ય અથવા વધુ વરસાદવાળું રહ્યું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં અપૂરતો વરસાદ છે, એમ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન (એનબીએચસી)એ જણાવ્યું છે.
2019-20માં ચોમાસામાં વાવણી કરાઈ હોય તેવાં અનાજનું ઉત્પાદન વધીને 1.41 કરોડ ટન થશે. ચોખાનો વાવેતર વિસ્તાર 2.80 ટકા વધ્યો છે, કેમકે પંજાબમાં ઊંચી નિકાસ માગને કારણે ખેડૂતોએ પોતાના 20-25 ટકા પાક વિસ્તારોને બાસમતી સિવાયના ચોખામાંથી બાસમતી ચોખામાં ફેરવ્યા છે. એનબીએચસીના સંશોધન અને વિકાસ વિભાગના વડા હનીશકુમાર સિંહાએ જણાવ્યું કે બિહાર, ઓડિશા અને કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ફરી વળતાં ખેડૂતો ડાંગરનો પાક રિકવર કરી શક્યા, પરંતુ વાવેતર પાછું ઠેલાયું, જેના પગલે ઊપજ 2.58 ટકા ઘટશે.
મકાઈનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાની ધારણા છે, પરંતુ પાક ઉપર ફોલ આર્મીવોર્મ (અમેરિકન કીડા) જીવાતના હુમલાને કારણે ઉત્પાદન 5.75 ટકા ઘટશે. જુવારનું વાવેતર અને ઉત્પાદન અનુક્રમે 4.79 ટકા અને 0.61 ટકા ઘટશે, જ્યારે બાજરાનો વાવેતર વિસ્તાર 2.47 ટકા વધવા છતાં ઉત્પાદન 4.69 ટકા ઘટશે તેવી ધારણા છે.
કઠોળમાં, અૉગસ્ટની શરૂઆતના વરસાદે તુવેર અને અડદનું વાવેતર વધાર્યું છે. તેને પગલે સરકારે સ્ટોક્સ છૂટો કરવાનું શરૂ કર્યું છે. તુવેરનો વાવેતર વિસ્તાર 1.69 ટકા વધવાની તેમ જ ઉત્પાદન 21.27 ટકા જેટલું નોંધપાત્ર રીતે વધશે, તેવું અનુમાન છે. અડદનું ઉત્પાદન 0.16 ટકા ઘટવાની સંભાવના છે.
સિંહાએ કહ્યું કે મગનો વાવેતર વિસ્તાર 4.66 ટકા વધશે, પરંતુ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ખેતરોમાં પૂરનાં પાણી ભરાતાં ઉત્પાદનમાં 17.23 ટકા જેટલો ધરખમ ઘટાડો જોવા મળશે.
તેલીબિયાંમાં, એરંડાનું વાવેતર 5.32 ટકા વધવાની જ્યારે ઉત્પાદન 21.07 ટકા જેટલું જબરદસ્ત વધવાની સંભાવના છે, કેમકે ઘરઆંગણાના બજારમાં તેનો ઊંચો ભાવ ઉપજે છે.
 તલ અને સૂર્યમુખીનું ઉત્પાદન અનુક્રમે 8.90 ટકા અને 2.32 ટકા ઘટશે, જ્યારે મગફળી અને નાઈજર સીડ્સનું ઉત્પાદન પ્રત્યેક 4.93 ટકા વધશે. સોયાબીનનું વાવેતર 5.68 ટકા વધશે, પરંતુ પાક લેતા મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને પગલે ઉત્પાદન 17.72 ટકા ઘટશે.  શેરડી જેવા રોકડિયા પાકનું વાવેતર 14.32 ટકા વધવાની ધારણા છે, પરંતુ શેરડીનો પાક લેતા મુખ્ય વિસ્તારોમાં ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા હોવાથી ઉત્પાદન 5.60 ટકા ઘટશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer