રવી પાકના ટેકાના ભાવ સાત ટકા વધારવાની દરખાસ્ત

રવી પાકના ટેકાના ભાવ સાત ટકા વધારવાની દરખાસ્ત
સરકારની અંતિમ મંજૂરીની પ્રતીક્ષા
હાલની દરખાસ્તથી ઘઉંના ટેકાના ભાવ ભલે માત્ર 4.6 ટકા જેટલા વધતા હોય, પરંતુ સરકારની તિજોરી પર તેનાથી નવો 3000 કરોડ રૂપિયાનો બોજ આવશે કલ્પેશ શેઠ 
મુંબઈ, તા. 8 ઓક્ટો. 
વીતેલા ચોમાસામાં પાછોતરો વરસાદ સારો થયો હોવાથી રવી પાકના ઉતારા અને વાવેતર વધારે થવાની ધારણા વચ્ચે સરકારે આગામી સિઝન માટે રવી પાકના ટેકાના ભાવમાં એકંદરે પાંચથી સાતેક ટકાના વધારાની દરખાસ્ત મૂકી છે. જોકે આ દરખાસ્તને હજુ કૅબિનેટની મંજૂરીની રાહ છે. 
દિવાળી બાદ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં રવી પાકના વાવેતર થાય છે. ભારતમાં ખાસ કરીને ચણા, ઘઉં, સરસવ, જીરું, ધાણા, જવ, મસૂર જેવા પાક રવી વાવેતરમાં લેવામાં આવે છે. ગુજરાતમાં પેટાચૂંટણીઓ, તથા મહારાષ્ટ્ર તથા હરિયાણામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોવાથી ખેડૂતોની વોટબૅન્કને ધ્યાનમાં રાખીને સરાકે ટેકાના ભાવ જાહેર કરવાની રણનીતિ બનાવી હોય તે સ્વાભાવિક છે. 
સરકાર હાલમાં ઘઉંના ટેકાના ભાવ 1840 રૂપિયાથી વધારીને 1925 રૂપિયા કરવાનું વિચારી રહી છે. યાદ રહે કે દેશમાં ઘઉંના કુલ ઉત્પાદનનો 70 ટકા ફાળો પંજાબ તથા હરિયાણામાં થાય છે. સરકારનાં ગોદામો મહદ્ અંશે આ રાજ્યોના ફાળાથી જ ભરાતા હોય છે. વળી જ્યારે સરકારને જાહેર વિતરણ માટે ઘઉં વાપરવાના હોય ત્યારે પણ આજ ઘઉંનો વિશેષ ઉપયોગ થાય છે. હાલની દરખાસ્તથી ઘઉંના ટેકાના ભાવ ભલે માત્ર 4.6 ટકા જેટલા વધતા હોય પરંતુ સરકારની તિજોરી પર તેનાથી નવો 3000 કરોડ રૂપિયાનો બોજ આવશે. આમેય તે સરકારના ફૂડ સબસિડી બિલનો આંકડો 1.84 લાખ કરોડ રૂપિયાનો તો છે જ, તેના ઉપર આ વધારાનો બોજ આવશે. 
આ ઉપરાંત સરસવના ટેકાના ભાવમાં 5.35 ટકાનો વધારો કરીને ક્વિન્ટલ દિઠ 4200 થી વધારીને 4425 રૂપિયા કરવાની જ્યારે મસૂરના ભાવ ક્વિન્ટલ દિઠ 7.26 ટકા વધારીને 4475 રૂપિયાથી 4800 રૂપિયા કરવાની દરખાસ્ત કૃષિ મંત્રાલયે કૅબિનેટને મોકલાવી છે. આ દરખાસ્તમાં જવના ટેકાના ભાવ 5.9 ટકા વધારીને 1440 રૂપિયા વાળા 1525 રૂપિયા કરવાની ભલામણ કરાઇ છે. કમિશન ફોર એગ્રિકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ(ઈઅઈઙ) સામાન્ય રીતે ટેકાના ભાવમાં વધારામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે સામાન્ય રીતે જે તે પાકના ઉત્પાદન માટે ખેડૂતને થતા ખર્ચની ગણતરી કરીને ટેકાના ભાવ અંગે પોતાનું મંતવ્ય આપે છે. સરકાર હાલમાં ખેડૂતોને ખુશ કરવા ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતા 150 ટકા ટેકાના ભાવ ઊંચા રાખવાનું લક્ષ્ય ધરાવે છે. 
અહીં સરકાર માટે સૌથી મોટી સમસ્યા વધતી જતી રાજકોષીય ખાધની અને ટેકાના ભાવે ખરીદાયેલા અનાજને સ્ટોર કરવાની છે. દેશના સરકારી ગોદામોમાં આજે બફર સ્ટોકમાં હોવું જોઇએ તેના કરતાં ઘણું વધારે અનાજ છે. આવા સંજોગોમાં ઊંચા ટેકાના ભાવના કારણે ખેડૂતો માલ સરકારને આપી જાય તો તેને સાચવવાની સમસ્યા નડી શકે તેમ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer