એમએસએમઈ કંપનીઓને લિસ્ટિંગ માટે આગળ આવવા ગડકરીનો અનુરોધ

એમએસએમઈ કંપનીઓને લિસ્ટિંગ માટે આગળ આવવા ગડકરીનો અનુરોધ
મુંબઈ, તા. 8 અૉક્ટો.
સરકાર એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે એવું માઈક્રો, સ્મોલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસીસ પ્રધાન નિતીન ગડકરીએ પીએચડી ચેમ્બર્સ અૉફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીની 114મા વાર્ષિક સત્ર દરમિયાન કહ્યું હતું.
ગડકરીએ કહ્યું કે એમએસએમઈ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રનું હાર્દ છે. દેશની જીડીપીમાં તે 29 ટકાનો ફાળો આપે છે. તેમણે એમએસએમઈ કંપનીઓને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ મેળવવાનો અનુરોધ કરતાં કહ્યું કે આના કારણે તેમને મૂડી એકત્ર કરવાનું સરળ બનશે.
દેશને પાંચ લાખ કરોડનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓ અને એગ્રો-પ્રોસેસિંગ અને માળખાકીય ક્ષેત્રે કરેલા રોકાણનો લાભ લેવા ઉદ્યોગને લાભ લેવાનું તેમણે કહ્યું હતું. 
એમએસએમઈ ક્ષેત્રને વેગ આપવા માટે કૃષિ અને માળખાકીય ક્ષેત્રે અનેક પગલાં લીધા છે એમ જણાવતાં ગડકરીએ કહ્યું કે પીએચડી ચેમ્બર અને એન્ટરપ્રેન્યર્સે સરકારના વેસ્ટ ટુ વેલ્થ અભિયાનમાં સક્રિય રીતે ફાળો આપવો જોઈએ.
એમએસએમઈ ક્ષેત્ર અત્યારે ઉત્પાદનમાં 45 ટકાનો, નિકાસમાં 40 ટકાથી વધુનો ફાળો આપે છે. એનએસઈના એસએમઈ પ્લેટફોર્મ ઉપર 200 કંપનીઓ લિસ્ટેડ છે. વર્ષ 2012માં આ પ્લેટફોર્મ શરૂ થયું ત્યારથી સાત વર્ષમાં રૂ. 3100 કરોડ એકત્ર કરાયા છે. આ લિસ્ટેડ સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈસીસનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 8800 કરોડ છે. આ ઉપરાંત, 22 એસએમઈ સમયાંતરે એનએસઈના મુખ્ય બોર્ડમાં સ્થાન પામી છે. 
માઈક્રો, સ્મોલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસીસ (એમએસએમઈ) મંત્રાલયે દેશમાં 150 ટેક્નૉલૉજી સેન્ટર સ્થાપવા માટે રૂ. 9000 કરોડની ફાળવણી કરી છે. આ સેંટર્સ એમએસએમઈની સ્પર્ધાત્મકતા વધારવા માટે હાઈ-ઍન્ડ મશીન્સ, ટેસ્ટિંગ અને રિડિઝાઈનિંગ સુવિધા પૂરી પાડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer