સપ્ટે. ત્રિમાસિકમાં પણ કંપનીઓની આવક અને નફા ઘટવાની સંભાવના

સપ્ટે. ત્રિમાસિકમાં પણ કંપનીઓની આવક અને નફા ઘટવાની સંભાવના
ટીસીએસ અને ઈન્ફોસિસથી શરૂ થશે પરિણામોની મોસમ 
એજન્સીસ 
મુંબઈ, તા. 8 અૉક્ટો.
સરકારે અર્થવ્યવસ્થામાં માગ વધારવા માટે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડા સહિત વિવિધ પગલાં જાહેર કર્યા તે છતાં નાણાકીય વર્ષ '20ના બીજા ત્રિમાસિક જુલાઈ-સપ્ટેમ્બર માટે ભારતીય કંપનીઓ આવક અને નફામાં ઘટાડો જાહેર કરે એવી વકી છે. આમ સતત બીજા ત્રિમાસિકમાં પણ કંપનીઓની કામગીરી નબળી આવશે. 
બૅંકો સિવાયની ધિરાણ કંપનીઓ માટે પ્રવાહિતાની ચાલુ રહેલી ખેંચ, દેશના કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ અને તહેવારોના દિવસોની શરૂઆતમાં ગ્રાહકોનો મોળો પ્રતિસાદ જેવા પરિબળોએ 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિકમાં કંપનીઓની સમસ્યામાં ઉમેરો કર્યો છે.  આ સપ્તાહથી કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવા શરૂ થશે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ લિમિટેડ અને ઈન્ડસઇન્ડ બૅન્કથી આ શરૂઆત થવાની ધારણા રખાય છે. 
છ વર્ષોમાં સૌથી નીચો આર્થિક વિકાસ, પગાર ભથ્થામાં મામૂલી વધારો અને ઘટતી રોજગારીના માહોલમાં વપરાશકારોએ તેમનો ખર્ચ ઘટાડી નાખ્યો છે. લોકોના માનસને સુધારવા અને કંપનીઓને વધુ રોજગારી ઊભી કરવા માટે ઉત્તેજન આપવા સરકારે વિવિધ પગલાંઓ લીધા છે. સૌથી હિંમતવાળું પગલું 20 સપ્ટેમ્બરનું હતું, જ્યારે અર્થતંત્રને ધક્કો આપવા અને ખાનગી રોકાણને પુનર્જીવિત કરવા માટે સરકારે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો જાહેર કર્યો હતો. 
સપ્ટેમ્બરમાં જે ત્રિમાસિક પૂરું થયું તેમાં કારનું નબળું વેચાણ, રિયલ એસ્ટેટમાં મંદી, કંપનીઓએ દેવામાં કરેલા ડિફોલ્ટ, નિકાસ પર દબાણ અને વૈશ્વિક વેપાર યુદ્ધ જેવા પરિબળોને કારણે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ અને કંપનીઓના નફામાં ગાબડાં જણાશે એમ વિશ્લેષકોનું કહેવું છે. 
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીઓની આવકમાં ત્રણ ટકા અને નફામાં ચાર ટકાનો ઘટાડો થશે, એમ એડ્લવેઇઝ સિકયોરિટીઝના ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના કો-હેડ શિવ દીવાન કહે છે. નિફટી ઇન્ડેક્સમાં જે કંપનીઓ છે તેમના આવક અને નફામાં અનુક્રમે ચાર ટકા અને બે ટકા ઘટાડો થશે એમ તે માને છે. કૉમોડિટી અને કૉર્પોરેટ બૅન્કને બાદ કરો તો આવક અને નફામાં ત્રણ અને ચાર ટકાનો વધારો અનુક્રમે થશે એમ તે કહે છે. 
અન્ય નિષ્ણાતો પણ આ સાથે સહમત છે. અત્યારે જે મેક્રો ડેટા ઉપલબ્ધ છે તે જોતા બીજા ત્રિમાસિકના પરિણામો નિરાશાજનક રહેશે એમ એચડીએફસી સિક્યોરિટીઝના હેડ અૉફ રિટેલ રિસર્ચ દિપક જસાણીનું માનવું છે. `િધરાણ અને કૉર્પોરેટ ટૅક્સ કલેક્શનમાં સપ્ટેમ્બર સુધીમાં માત્ર છ ટકા વધારો થયો છે, સપ્ટેમ્બરમાં જીએસટીનો આંકડો 19 મહિનાની નિમ્ન સપાટીએ રહ્યો છે, કારનું વેચાણ સતત 11 મહિનામાં ઘટ્યું છે અને કોર ઉદ્યોગોનો ઇન્ડેક્સ અૉગસ્ટમાં 0.5 ટકા ઘટ્યો હતો જે 52 મહિનામાં સૌથી નીચો વિકાસ છે' એમ તે કહે છે. 
પ્રભુદાસ લીલાધર કંપની જે કંપનીઓ પર ધ્યાન રાખે છે તેના વેચાણમાં 0.3 ટકા ઘટાડો થવાનો તેના વિશ્લેષકોનો અંદાજ છે. એવિયેશન, ફાર્મા અને મીડિયા કંપનીઓના વેચાણમાં સારો વધારો થશે, જ્યારે અૉટોમોબાઇલ, મેટલ્સ અને તેલ અને ગૅસ કંપનીઓ પાછળ રહેશે એમ તે માને છે. `અૉટો, ડયુરેબલ્સ, આઇટી અને મેટલ્સમાં માર્જિન પર વ્યાપક દબાણ રહેશે. ઘટેલી જોગવાઈને લીધે બૅન્કોને લાભ થશે અને સિમેન્ટને ભાવ વધારાનો ફાયદો થશે. કન્ઝ્યુમર ચીજવસ્તુઓમાં ગ્રામ્ય વિસ્તારોની નબળી માગની તો અૉટો કંપનીઓના પરિણામોમાં વેચાણ ઘટાડાની અસર દેખાશે' એમ પ્રભુદાસ લીલાધરનો 3 અૉક્ટોબરનો રિપોર્ટ કહે છે. 
કન્ઝ્યુમર ગુડ્સ બનાવતી મોટા ભાગની કંપનીઓના વેચાણમાં એક આંકડાની નબળી વૃદ્ધિ જોવા મળશે, એમ એડેલવેઇઝ સિક્યોરિટીઝના વિશ્લેષકો માને છે. `મોટા ભાગની કન્ઝ્યુમર ગૂડ્સ કંપનીઓ ધિરાણનું જોખમ લેવા તૈયાર ન હોવાથી તે ડિસ્ટ્રીબ્યુટરોને પસંદગીના ધોરણે થોડું ધિરાણ આપે છે. પ્રવાહિતાની આ ખેંચ હવે રિટેલરો સુધી પહોંચી છે અને તેને કારણે કન્ઝ્યુમર ગૂડ્સ કંપનીઓના વોલ્યુમ પર વધુ દબાણ આવી રહ્યું છે. ઉપરાંત અમુક વિસ્તારોમાં આવેલા પૂરને લીધે માગને અસર થઇ છે' એમ એડ્લવેઇઝના ત્રણ અૉક્ટોબરના રિપોર્ટમાં કહેવાયું છે. 
એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ અને પીડીલાઈટ જેવી કંપનીઓને ક્રૂડતેલના ઘટેલા ભાવનો ફાયદો થશે કેમ કે ક્રૂડ ડેરિવેટિવ્ઝમાં તેમનો હિસ્સો ઘણો છે. તેમના માર્જિનને આ કારણે ફાયદો થશે. સપ્ટેમ્બરમાં પૂરા 
થયેલા ત્રણ મહિનામાં ક્રૂડતેલના ભાવ 8 ટકા ઘટ્યા હતા.   
સારા વરસાદને લીધે રવી પાકને પણ ફાયદો થશે અને પાકમાં નોંધપાત્ર વધારો થશે. તેને લીધે ગ્રામ્ય આવકમાં વધારો થશે, સાથે 2019માં વ્યાજ દરમાં થયેલા ઘટાડાની અસર અર્થવ્યવસ્થામાં પ્રસરતા માગમાં વધારો થશે એમ વિશ્લેષકોનું કહેવું છે. 
જો કે, બૅન્ક અૉફ અમેરિકા મેરિલ લિન્ચ માને છે કે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાને લીધે કંપનીઓનો નફો વધશે એમ માની ન લેવાય. ઘણી કંપનીઓ નવા દરનો લાભ ન લેવાનો નિર્ણય કરી શકે તો કેટલીક કંપનીઓએ તેનો ફાયદો કર્મચારીઓ કે પછી ગ્રાહકોને આપવો પડશે. 
`સરકારની નીતિનો ઉદ્દેશ કદાચ આ જ હતો-કંપનીઓ મારફત ટૅક્સ બચતનો ફાયદો વપરાશકારો સુધી પહોંચાડવો. ભાવમાં ઘટાડાને કારણે જો વેચાણમાં વધારો નહિ થાય તો કંપનીઓને ધારણા પ્રમાણેનો ફાયદો નહિ થાય. કન્ઝ્યુમર કંપનીઓના કિસ્સામાં આમ થઇ શકે પણ બૅન્ક, ઊર્જા અને મટીરિયલ્સ જેવી મોટી કંપનીઓને ટૅક્સમાં બચતનો 
ખાસ લાભ નહિ થાય, એમ બૅન્ક અૉફ અમેરિકા મેરિલ લીંચે 2 અૉક્ટોબરના રિપોર્ટમાં કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer