દશેરાએ રૂા. 7 કરોડના ફાફડા-જલેબીની જયાફત

દશેરાએ રૂા. 7 કરોડના ફાફડા-જલેબીની જયાફત
ફાફડા-જલેબીમાં 10થી 15 ટકા ભાવવધારો 
ફાફડાનો ભાવ રૂા. 400થી 600, શુદ્ધ ઘીની જલેબીનો ભાવ રૂા. 600થી 1000 
હૃષિકેશ વ્યાસ
અમદાવાદ, તા. 8 અૉક્ટો.
નવરાત્રિના નવ દિવસ ગરબે ઘૂમ્યા પછી દશેરાના દિવસે મન ભરીને ફાફડા-જલેબીની જયાફત માણવામાં અમદાવાદીઓને કોઇ મંદી નડતી નથી.  અમદાવાદીઓ માટે ફાફડા-જલેબી વિના વિજયાદશમીના પર્વની ઉજવણી અધૂરી જ ગણાય. દશેરાના પર્વ નિમિતે ગઇકાલે રાતથી જ ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં ફાફડા-જલેબી બનાવવાની શરૂઆત થઇ ગઇ હતી અને આજે દિવસ દરમિયાન ફાફડા-જલેબી લેવા માટે લાંબી-લચક લાઇનો લગાવી દીધી હતી. એક અંદાજ પ્રમાણે અમદાવાદીઓએ આજે મંગળવારના સમગ્ર દિવસ દરમિયાન રૂા.7 કરોડથી વધુના ફાફડા-જલેબી ઝાપટી ગયા હતા! વર્તમાન સમયમાં એક બાજુ મંદીની બૂમ અને બીજી બાજુ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ફાફડા અને જલેબીમાં પણ 10થી 15 ટકા ભાવવધારો જોવા મળ્યો છે. મુખ્યત્વે ફરસાણ મોંધા થયા છે, જેના કારણમાં ફરસાણ ઍસોસિયેશનનું કહેવું છે કે, ફરસાણ-મીઠાઇના પરપ્રાંતીય કારીગરો વતન જતા રહેતા સ્થાનિક કારીગરોને વધુ મજૂરી આપી કામે રાખવામાં આવ્યા છે જેથી મજૂરીના ભાવ વધતા આ ભાવવધારો નોંધાયો છે. આ ઉપરાંત માલ બનાવવા માટે વપરાતા રો- મટિરીયલ પણ વધારો થતા ભાવ વધારવાની ફરજ પડી છે.
જોકે, વધેલા ભાવની પરવા કર્યા વગર અમદાવાદીઓ હોંશે હોંશે  ફાફડા- જલેબી આરોગે છે. દશેરા નિમિત્તે ફાફડાનો ભાવ રૂા. 400થી 600 તેમ જ શુદ્ધ ઘીની જલેબીના રૂા.600થી 1000 સુધીના રહ્યાં છે. ફાફડા-જલેબીની સાથે ચોળાફળી પણ એટલી જ માત્રામાં અમદાવાદીઓ આરોગતા હોય છે. ચોળાફળીની કિંમત સરેરાશ રૂા.450 રાખવામાં આવી છે. 
અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થયું હતું. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ વહેલી સવારથી ફાફડા-જલેબીની દુકાનો પર લાંબી લાઇનો લાગી હતી. એક અંદાજ મુજબ સુરતમાં 5 કરોડ, રાજકોટમાં 2 કરોડના ફાફડા-જલેબીનું વેચાણ થયું છે. જ્યારે વડોદરામાં ફાફડા-જલેબીની સાથો સાથે સેવ-ઉસળ ખાવાની મજા કાંઇક ઓર જ ગણાય છે જેના કારણે વડોદરામાં ફાફડા-જલેબીની સાથે સેવઉસળની દુકાન ભારે ભીડ જામી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer