સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો ક્લબોને સેલ્સ ટૅક્સ

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો ક્લબોને સેલ્સ ટૅક્સ
વેટ અથવા સર્વિસ ટૅક્સ લાગુ નહીં પડે
`ક્લબ તેના સભ્યોને જે આપે છે તે વેચાણ કે સેવા નથી'
એજન્સીસ
ચેન્નાઈ, તા. 8 અૉક્ટો.
ક્લબોને વેચાણ વેરો, વેટ કે સર્વિસ ટૅક્સ લાગુ પડતા નથી. એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્થાનિક ક્લબોએ આવકાર આપ્યો છે.
આનો સરળ અર્થ એ થાય છે કે ક્લબ અને તેના સભ્યો એક જ છે. તેઓ પારસ્પરિક સિદ્ધાંત પર ટકેલા છે. આથી ક્લબ તેના સભ્યોને જે આપે છે તે વેચાણ કે સેવા નથી, એમ આ કેસના એક પ્રતિવાદી કોસ્મોપોલિટન ક્લબ માટેના ધારાશાત્રી કે. વૈથિશ્વરને જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે વિવિધ કેસોના બેચ હેઠળ આ તમામ દલીલો સ્વીકારી હતી. પારસ્પરિક સંબંધોના સિદ્ધાંત પર કામ કરતી ક્લબોના સભ્યો માટે આ ખુશખબર છે, એમ તેમણે જણાવ્યું હતું.
ક્લબોને અગાઉ તેના સભ્યોને પીરસવામાં આવતી ખાધ સામગ્રી ઉપર વેટ ચૂકવવા કહેવાયું હતું. જીએસટી ટૅક્સ પ્રણાલી શરૂ થયા બાદ સભ્યો સભ્યપદ ફી, અનાજ, આલ્કોહોલ પર 10થી 14 ટકા સર્વિસ ટૅક્સ ચૂકવવાની માગણી કરાઈ હતી, આથી વિવાદ ઊભો થયો હતો.
આ નિર્ણય પારસ્પરિક સંબંધો અંગે દાયકાઓ પૂર્વે ક્લબે લીધેલા વલણને યથાર્થ ઠેરવે છે. વેચાણવેરાના અમુક જૂના વિવાદો પણ આથી ઉકેલાઈ જશે, એમ કોસ્મોપોલિટન ક્લબના સેક્રેટરી કે. સંથનાકૃષ્ણને જણાવ્યું હતું.
આ ચુકાદો શું ગુડ્સ અને સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ને લાગુ પડે છે કે નહીં તે અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે. અત્યારે જીએસટી દર 18 ટકા છે.
સંથનાકૃષ્ણને કહ્યું હતું કે આ અંગે અત્યારે કંઈ કહેવું એ બહુ વહેલું ગણાશે.
એડવોકેટ જી. નટરાજન માને છે કે આ ચુકાદો જીએસટીને પણ લાગુ પડે છે. વેટ એક્ટ/ સર્વિસ ટૅક્સ એક્ટની જોગવાઈઓ જ જીએસટી એક્ટમાં પણ સમાવી લેવાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer