ઉત્તમ વરસાદથી આગામી રવી પાક સારો થવાની ધારણા

ઉત્તમ વરસાદથી આગામી રવી પાક સારો થવાની ધારણા
પીટીઆઈ, નવી દિલ્હી, તા. 8 અૉક્ટો.
આ વર્ષે મોડેથી શરૂ થયેલો અને સિઝનના અંત સુધી ચાલુ રહેલા નોંધપાત્ર વરસાદથી કેટલાંક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખરીફ પાક માટે તે નિર્ણાયક રહ્યો છે. જળાશયોમાં પાણીનો સ્તર વધવાથી રવી સિઝનમાં ખેતઉપજના સંયોગો ઊજળા રહેવાની શક્યતા જણાઈ રહી છે.
આ વર્ષે દેશના ઉત્તરીય, પશ્ચિમી, પૂર્વીય, મધ્ય અને દક્ષિણ વિસ્તારોનાં જળાશયોમાં પાણીનો સ્તર ગયા વર્ષના સમાન સ્તરે તેમજ 10 વર્ષના સામાન્ય સ્તરે નોંધાયો છે. આથી આગામી ટૂંક સમયમાં શરૂ થનાર રવી પાકનું વાવેતર સમયસર થવામાં બળ પૂરું પાડશે. તેમજ તાપમાન જેવું પરિબળ પણ ખેતપેદાશ માટે મહત્ત્વનો ભાગ ભજવશે. આમ, એકંદરે આગામી રવી પાક સારો થવાની શક્યતા છે. દેશમાં મેન્યુફેકચરિંગ તેમજ મહત્ત્વનાં સર્વિસીસ ક્ષેત્રે મંદીનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારને કૃષિ ક્ષેત્રના સુધારથી દેશના એકંદર આર્થિક વિકાસને બળ મળે તેવી તીવ્ર અપેક્ષા છે.
ગ્રોસ વેલ્યુ એડેડના વિસ્તરણથી કૃષિ અને સંલગ્નિત ક્ષેત્ર ઘટીને 2.9 ટકા થયું જે અગાઉના વર્ષે પાંચ ટકા હતું. થોડાંક સપ્તાહથી વ્યાપક પ્રમાણમાં ધોધમાર વરસાદથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારના કેટલાક વિસ્તારોમાં ઊભા ખરીફ પાકને નુકસાન થયું છે અને સરકારે તાજેતરમાં રજૂ કરેલા કૃષિ ઉત્પાદનના અંદાજ માટે મહત્ત્વનો બની શકે છે. જોકે, નુકસાનનો ચોક્કસ અંદાજ તેને પુષ્ટિ આપશે. આમ કૃષિ મંત્રાલયે 2019-20ની ખરીફ સિઝન માટે તાજેતરમાં અનાજનું ઉત્પાદન સાધારણ ઘટીને 1405.70 લાખ ટન થવાનો અંદાજ જણાવ્યો છે અને તેમાં ચોખા અને કઠોળનું ઉત્પાદન ઘટી શકે છે. મધ્યપ્રદેશ સરકારને ખેડૂતોને તેમના પાકના નુકસાનના વળતર માટે રૂા. 9000 કરોડની કેન્દ્ર વતી સહાય મળી છે.
દેશમાં છેલ્લાં 25 વર્ષમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ શ્રેષ્ઠ રહ્યો છે. જૂનમાં વરસાદની 36 ટકા ખાધ હતી જે ત્રીજી અૉક્ટોબરે 10 ટકા પુરાંતમાં ફેરવાઈ ગઈ છે. વાસ્તવમાં પાંચ વર્ષમાં પ્રથમવાર ચોમાસાનો વરસાદ લાંબાગાળાની સરેરાશ કરતાં વધુ નોંધાયો છે. પરંતુ પશ્ચિમી વિસ્તાર અને મધ્ય ભારતમાં 299 ટકા નોંધાયો છે જે લાંબાગાળાની સરેરાશ કરતાં 23 ટકા વધુ છે. જ્યારે પૂર્વીય અથવા ઉત્તર-પૂર્વીય અને દક્ષિણના વિસ્તારમાં 29-34 ટકા ખાધ રહી છે જે ખરીફ પાકના સંયોગો પર અસર કરી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer