સોનામાં આકર્ષક ડિસ્કાઉન્ટ છતાં ગ્રાહકો દશેરાએ ઝવેરી બજારથી દૂર રહ્યા

સોનામાં આકર્ષક ડિસ્કાઉન્ટ છતાં ગ્રાહકો દશેરાએ ઝવેરી બજારથી દૂર રહ્યા
જ્વેલર્સની ચિંતા વધી : ધનતેરસ-દિવાળી કેવી જશે?
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 8 અૉક્ટો.
દેશભરના જ્વેલરો આજે દશેરાના શુભ અવસરે ગ્રાહકોને આકર્ષિત કરવા જાગતિક ભાવ 1505 ડૉલર સામે પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ) 20 ડૉલર (ગત સપ્તાહે 7 ડૉલર)નું સ્ટોક ક્લિયરિંગ સેલ ડિસ્કાઉન્ટ ઘડામણ ઉપર પણ મોટું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું, છતાં અર્ધશહેરી અને ગ્રામ્ય જ્વેલરોને પૂરતા ગ્રાહકો મળ્યા ન હતા. શહેરી જ્વેલરોને ત્યાં એકાદ મહિના અગાઉ, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂા. 35થી 36 હજાર હતા ત્યારે 40 ટકા જેટલું પ્રી-દશેરા ઝવેરાત બાકિંગની ડિલિવરી લેવા મૂહર્ત જોઇને બજારમાં આવ્યા હોવાથી મુંબઈ, અમદાવાદ, પૂના, દિલ્હી જેવાં શહેરોની ઝવેરી બજારમાં ઘરાકી જોવા મળી હતી. 
બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈદ્યે કહ્યું કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત જેવાં રાજ્યોના પૂરગ્રસ્ત ગ્રામ્ય જ્વેલરોને ત્યાં ગ્રાહકોની ગેરહાજરી ઊડીને આંખે વળગે તેવી હતી. અર્ધશહેરી જ્વેલરોની ઘરાકી સ્ટોક કિલયરિંગ કરવામાં નિષ્ફળ ગઈ હતી. મુંબઈના ઝવેરી બજારસ્થિત ઉમેદમલ ત્રિલોકચંદ જવેલર્સના કુમાર જૈને કહ્યું કે ગયા વર્ષે અમે રૂા. 37,190ના ભાવે પ્રમાણસર ઘરાકી જોઈ હતી, પણ આજે જીએસટી સાથેનો .999 સોનાનો ભાવ રૂા.39,400 જેવો ઉંચો હોવાથી પરંપરાગત ગ્રાહકો શુભમુહૂર્ત સાચવી લેવા ટોકન ખરીદી કરી રહ્યા છે. દુકાનમાં બપોર પછી ગ્રાહકોની થોડી ભીડ જોવાઈ રહી છે, તેમાં દશેરા પૂર્વેની પ્રીબુકિંગ ડિલિવરીના ગ્રાહકો સામેલ છે.  
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (ઈબજા)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે ભૂ-ભૌગોલિક સમસ્યાઓ અને નબળો આર્થિક વિકાસ જોતાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તેજીતરફી રહેવાના, ભારતમાં નબળો રૂપિયો અને સતત ઘટતી ખરીદશક્તિએ ગ્રાહકોને ઝવેરી બજારથી દૂર રહેવાની ફરજ પાડી છે. એક અનામી જથ્થાબંધ જ્વેલરી નિર્માતા અને બુલિયન ડીલરે કહ્યું કે ભૂતકાળની પરંપરાથી વિપરીત આ વર્ષે જ્વેલરોએ અમારે ત્યાં અને અન્યત્રથી દશેરા નિમિત્તે જ્વેલરીનો નવો સ્ટોક સાવ મામૂલી ખરીદ્યો છે. મુંબઈસ્થિત રિદ્ધિસિદ્ધિ બુલિયનના ડિરેક્ટર મુકેશ કોઠારીએ કહ્યું કે દશેરાના દિવસે આયાત પડતર પર 10 ગ્રામે રૂા. 500નું ડિસ્કાઉન્ટ એ અભૂતપૂર્વ ઘટના છે.  
મુકેશ કોઠારી અને સુરેન્દ્ર મહેતા કહે છે કે દશેરાના દિવસે આ સ્થિતિ છે, તો પછી ધનતેરસ અને લગનસરા પછીના ઝવેરી બજારના દિવસોની કલ્પના, અત્યારથી જ ધ્રુજાવી મુકે તેવી છે. ધીમું અર્થતંત્ર, પૂરની આફત, નબળો રૂપિયો, બેરોજગારીની સમસ્યા અને ઘટી રહેલી ખરીદશક્તિ તમે કોને દોષ આપશો? અમદાવાદના જ્વેલર મનોજ સોની કહે છે કે આ વર્ષે ઊંચા ભાવ જોઇને અમારા પરંપરાગત ગ્રાહકો હજુ સુધી પ્રીવાડિંગ બાકિંગ માટે પણ આવ્યા નથી, તેથી બજારની વર્તમાન અને ભાવિ સ્થિતિનું આકલન કેમ કરી શકાય.  
કોલકાતાના એક જવેલર્સ પોતાનું નામ આપવાની અનિચ્છા સાથે કહે છે કે દશેરા અને તે અગાઉ મોટા મૂલ્યની જ્વેલરી ખરીદતા ગ્રાહકોને કરવેરા અધિકારીઓની ક્રુટીનીનો ભય લાગી રહ્યો છે, તેનો પડછાયો અમારા ધંધા પર પડ્યો છે. રૂા. 50,000 ઉપરની ખરીદી સામે કેવાયસી ફરજિયાત હોવાથી અમારા હાથ પણ બંધાઈ ગયા છે. જેમની પાસે નાની મોટી બચત છે, તેવા ગ્રાહકો ટીવી, મોબાઈલ કે અન્ય ગેજેટ્સ ખરીદી રહ્યા છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન નીતિન ખંડેલવાલ કહે છે કે અમને તો હવે ધનતેરસ અને લગનસરાની ઘરાકી પણ નિષ્ફળ જવાનો ડર લાગી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer