ફટાકડાના ભાવ 30-40 ટકા ઊંચા, માગને અસર

હૃષિકેશ વ્યાસ
અમદાવાદ, તા. 18 અૉક્ટો.
મંદીના માહોલને લીધે દિવાળીની ખરીદીની અસર લગભગ તમામ બજારોમાં ઓછી વધુ દેખાઇ રહી છે. દિવાળીના સમયે ઓન ડિમાન્ડ રહેતા ફટાકડા બજાર સૂમસામ બની ગઇ છે. અમદાવાદની જથાબંધ ફટાડકા બજારમાં નવરાત્રિ બાદ ખરીદી શરૂ થઇ જતી હોય છે પરંતુ હવે  દિવાળીને એક અઠવાડિયું બાકી છે ત્યારે પણ બજારમાં કોઇ ચહલપહલ જેવા મળતી નથી. વેપારીઓ ગ્રાહકોની રાહ જોતાં બેસી રહ્યા છે. દિવાળીના બે દિવસ પહેલાં ઘરાકી ચોક્કસ નીકળે તેવી આશા છે.
ફટાકડા ઉત્પાદનમાં ચીન બાદ ભારત બીજું સ્થાન ધરાવે છે અને ભારતના તામિલનાડુના શિવાકાસીમાં સૌથી વધુ ફટાકડા તૈયાર થાય છે અને દેશભરમાં મોકલવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે શિવાકાસીમાં છ મહિના ફટાકડા બનાવવાનું કામ બંધ રહ્યુ ંહતું. જેના કારણે ફટાકડાનું ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે ફટાકડાના ભાવમાં 30 થી 40 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. 
સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડા બનાવવાનો આદેશ કરતાં ફટાકડાના ભાવમાં વધારો થયો હોવાનું અમદાવાદના ફટાકડા બજારના વેપારીઓનું કહેવું છે. ગ્રીન ફટાકડાનું રો-મટિરિયલ અને કેમિકલ મોંઘું હોવાથી ફટાકડા આ વર્ષે મોંઘા થયા છે. જેની સીધી અસર ફટાકડા બજાર ઉપર પડી છે. એક તરફ અત્યારે મંદી છે અને બીજી તરફ ભાવમાં વધારો પણ થયો છે.  
અમદાવાદની રાયપુર માર્કેટમાં તો હોલસેલ ફટાકડા ખરીદનાર એડવાન્સ બુકિંગ કરે છે પરંતુ ચાલુ વર્ષે મંદીને કારણે કોઇ એડવાન્સ બુકિંગ થયું નથી. અમદાવાદની ફટાકડાની નામી દુકાનોમાં દિવાળી હોય કે લગ્નપ્રસંગ હોય હંમેશાં લોકોની ભીડ હોય છે પરંતુ ત્યાં દુકાનમાં કામ કરતા કામદારો પણ ગ્રાહકોની રાહ જોઇને બેસી રહ્યા છે. 
મંદીના માહોલ વચ્ચે લોકોને આકર્ષવા માટે નવા નવા ફટાકડા લાવવામાં આવ્યા છે અને ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આકર્ષક ફટાકડા માકેટમાં આવ્યા છે.  છતાં ગ્રાહકો ખરીદીમાં નિરસતા દાખવી રહ્યા છે. જેના કારણે ફટાકડા બજારના વેપારીઓ ટેન્શનમાં આવી ગયા છે. જોકે, છેલ્લા દિવસોમાં ફટાકડા માર્કેટમાં ઘરાકીની તેજી આવશે તેવી વેપારીઓને આશા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer