આફ્રિકામાં ગુજરાતીઓ ખેતી કરવા લીઝ ઉપર ખેતર લેશે

આવતા વર્ષે એમઓયુ થવાની પ્રબળ સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 અૉક્ટો. ગુજરાતના ખેડૂતો આફ્રિકામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરતા થાય એ માટે સક્રિય પ્રયાસો શરૂ થયા છે. તાજેતરમાં પાંચ દેશના હાઇ કમિશ્નર દિલ્હી આવતા ગુજરાત એગ્રોની મધ્યસ્થીથી મુલાકાત ગોઠવીને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા મુસદ્દો રજૂ કરવામાં આવ્યો છે. આગામી વર્ષે એસવીયુએમ 2020માં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કરાર થાય તેવી ઊજળી સંભાવના છે.
આ અંગે મહામંડળના પરાગ તેજુરાએ કહ્યું કે, દક્ષિણ સુદાન, ગીની, સેનેગલ, મોરેશિયસ તથા લીથોસો જેવા દેશોના હાઇ કમિશ્નરને રૂબરૂમાં પ્રત્યેક દેશોમાં 20 હજાર હેક્ટર જમીન કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે આપવા રજૂઆત કરી છે. હવે આ રજૂઆતો કરારમાં પરિણમે એવી પૂરી શક્યતા છે. દિવાળી બાદ વધુ 15 જેટલા આફ્રિકન દેશો સાથે બેઠક યોજીને વધુ જમીન માગીશું. જે તે દેશની સરકાર અને ગુજરાત સરકાર આ માટે એમઓયુ કરશે. ગુજરાત વતી ગુજરાત એગ્રોના એમ. ડી. રંઘાવા સક્રિય કામગીરી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહામંડળ દ્વારા દર વર્ષે એસવીયુએમ ટ્રેડફેર યોજવામાં આવે છે. ટ્રેડફેરમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિમંડળોને તેડાવીને બિઝનેસની તકો ઉજાગર કરવામાં આવે છે. નવા ફેરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો મુદ્દો અગ્રેસર હશે. પ્રગતિશીલ ખેડૂતોના સંમેલન બોલાવીને એ દિશામાં વાળવા પ્રયત્નો કરાશે.
તેજુરા કહે છે, પંજાબથી આશરે 1000 જેટલા લોકોએ સામૂહિક રીતે જઇને મોઝામ્બિકમાં ખેતી શરૂ કરી છે. એ જ રીતે ગુજરાતથી પણ ખેડૂતો જઇ શકે તેમ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ત્યાં થાય તો કઠોળની આયાતનું અબજો રૂપિયાનું બિલ બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે, વિશ્વની કુલ ખેતીલાયક જમીનના 60 ટકા આફ્રિકામાં છે. જમીનો વણખેડાયેલી છે. આફ્રિકન પાસે ટેકનૉલૉજી નથી ત્યારે ત્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શક્યતા વધારે છે. આફ્રિકામાં ઘણા ગુજરાતીઓ ખેતી કરી રહ્યા છે. ત્યાં સરકાર ઓછાં ભાવથી લીઝ પર અને ભાગીદારીમાં જમીનો આપે છે. કોંગો, ઘાના, ઝામ્બિયા, બુર્કિના, ફાસો, સેનેગલ, સુદાન, અંગોલા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા, તાન્ઝાનિયા, મોઝામ્બિક, બુરુંડી, ઇથોપિયા વગેરે દેશોમાં ખેતીની તક છે.
તેમણે કહ્યું કે, રાજકોટના ખેડૂત ઘનશ્યામ હેરભાએ ઝામ્બિયામાં 25 હજાર જમીન લીઝ ઉપર લીધી છે. તેઓ ખેતી કરી રહ્યા છે. આફ્રિકામાં લઘુતમ એકાદ કરોડનું રોકાણ કરવું પડે પણ તેની સામે એકાદ બે વર્ષમાં મોટું વળતર મળવા લાગે છે. પાંચથી દસ હજાર રૂપિયાના ભાડાપટ્ટેથી 20-25 વર્ષ માટે એક એકર ખેતીલાયક જમીન મળે છે જે સસ્તી કહેવાય.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer