વલસાડમાં અતિવૃષ્ટિથી મગ અને અડદના પાકને નુકસાન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 અૉક્ટો.
દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિથી ખાસ કરીને મગ અને અડદના પાકને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. પરિણામે મગ, મગદાળ, અડદ તથા અડદદાળમાં પાંચ દિવસમાં ક્વિન્ટલે જાતવાર રૂા. 100થી 500 જેટલો ઉછાળો આવ્યો હોવાનું વલસાડના વેપારી દિનેશભાઈ ભાનુશાળીનું કહેવું છે.
વલસાડમાં આ વખતે પ્રમાણમાં અતિશય વરસાદ થયો છે, પરંતુ તે સમયાંતરે થતો રહ્યો હોવાથી ડાંગરના પાકને કોઈ મોટું નુકસાન થયું હોવાનો અહેવાલ નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં જાડા ચોખાના પાકને થોડું નુકસાન થયું હોવાની સંભાવના છે, જ્યારે કોલમ અને મસુરી જેવા ઝીણા ચોખાના પાકને લાભ થયો છે. હાલમાં એક અઠવાડિયાથી વરસાદ બંધ થયો હોવાથી ડાંગરના પાકની કાપણી આઠ-દસ દિવસમાં ચાલુ થઈ શકે છે. વધુમાં બાંધકામ ક્ષેત્રે મંદી હોવાથી ખેતી માટે મજૂરો પણ મળી રહે છે.
દિવાળી પછી મસૂરી ચોખાનો પાક સારો આવવાની સંભાવના છે. તેથી નવસારી જિલ્લામાં આવેલી પૌંઆની મિલોને ચોખાનો પૂરતો પુરવઠો મળી રહેશે. કેરી અને ચીકુના પાક માટે પ્રખ્યાત વલસાડ જિલ્લામાં આ વર્ષે ડાંગરનો પાક પણ સારો રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer