કપાસિયા તેલી ખોળના ભાવ ઘટશે

વ્યાપાર માટે વિશેષ
મુંબઇ, તા. 18 અૉક્ટો.
દેશની વિવિધ કપાસ મંડીઓમાં દૈનિક સરેરાશ 75 હજાર ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા)એ પહોંચી ગઇ છે, પરંતુ આ આવક 1.25 લાખ ગાંસડી દૈનિક થતા કોટન સીડ અૉઇલ કેકના ભાવ નીચે ગગડતા જશે. એવામાં આ કૉમોડિટીમાં હવે સાવધાની રાખી ટ્રાડિંગ કરવાની જરૂર છે. 
વેપારીઓનું કહેવું છે કે દેશમાં નવી ખરીફ સિઝન હેઠળ કોટનનું ઉત્પાદન વિવિધ અંદાજોના મતે 375થી 385 લાખ ગાંસડી સુધી પહોંચી શકે છે. ચાલુ વર્ષે દેશમાં કપાસનું વાવેતર 127 લાખ હેક્ટરમાં થયું છે તેમ જ કોઇ પણ સ્થળેથી મોટા નુકસાનના સમાચાર નથી. કપાસની ગુણવત્તા પણ સારી છે. 
માર્કાટિંગ વર્ષ 2018-19માં કોટનની ઉપલબ્ધતા ઓછી હતી જેના લીધે કોટન સીડની સપ્લાયની પણ અછત રહી જેના લીધે કોટન સીડ અૉઇલ કેકના ભાવ આકાશે પહોંચી ગયા. નોંધનીય છે કે કપાસમાંથી 65 ટકા બિયારણ નીકળે છે, જ્યારે 35 ટકા ફાઇબર નીકળે છે. ગત માર્કાટિંગ વર્ષમાં કોટન સીડ અૉઇલ કેકનું આ કારણસર ઉત્પાદન ઓછું રહ્યું જ્યારે ડેરી ઉદ્યોગની માગ દર વર્ષે સતત વધી રહી છે. ચાલુ વર્ષે માત્ર કોટન સીડ અૉઇલ કેકના જ ભાવ નથી વધ્યા પણ અન્ય પશુ આહાર ચણા ખોળ, મકાઇ, જુવાર ખોળ જેવા તમામ વિકલ્પો પણ મોંઘા થયા છે.    
ઓલ ઇન્ડિયા કોટન સીડ અૉઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ સંજય અગ્રવાલે કહ્યું કે, હાલ નવા કપાસની આવક રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત તેમ જ મધ્ય પ્રદેશમાં થઇ રહી છે, જ્યારે 28 અૉક્ટોબર બાદ તેલંગણા તેમ જ 5 નવેમ્બરથી મહારાષ્ટ્રમાં નવા કપાસની આવક શરૂ થશે. ત્યારબાદ કોટનની દૈનિક આવક 1થી સવા લાખ ગાંસડીયે પહોંચી જશે. ત્યારે કોટન સીડ અૉઇલ કેકના ભાવ પર તેની અસર દેખાશે. હાલ મધ્ય પ્રદેશમાં કોટન સીડ અૉઇલ કેક જે 3000થી 3600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઇ રહ્યું છે તે 2500થી 2700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી આવી શકે છે. નવા માર્કાટિંગ વર્ષ કોટન સીડ અૉઇલ કેકમાં સંગ્રહનો વર્ષ રહેશે નહીં, કારણ કે કોટનનું ઉત્પાદન વધારે છે જેના લીધે તેના ભાવ વધારે ઊંચે જઇ શકશે નહીં. 
ગુજરાત કોટન સીડ ક્રશર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ પટેલનું કહેવું છે કે દેશમાં ચાલુ ખરીફ પાક વર્ષ 2019-20માં 380-385 લાખ ગાંસડી ઉત્પાદન થવાની ધારણા છે, જ્યારે ગુજરાતમાં ચાલુ વર્ષે આ ઉત્પાદન 110 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ગુજરાતમાં ચાલુ વર્ષે કોટન સીડનું ઉત્પાદન 33.66 લાખ ટન થવાની સંભાવના છે. તેમાંથી એક લાખ ટન ડિલાટિંગ તેમ જ અન્ય ઉપયોગને બાદ કરવામાં આવે તો 32.66 લાખ ટન કોટન સીડનું પિલાણ થશે. રાજ્યમાં 2743440 ટન કોટન સીડ અૉઇલ કેકનું ઉત્પાદન થવાની ધારણા છે. તેને 50 કિગ્રાની બોરીમાં રૂપાંતરિત કરીયે તો આ 54868800 બોરી રહેશે. 
તેઓ કહે છે કે ચાલુ વર્ષમાં કોટન સીડના નીચા ભાવ 425થી 450 રૂપિયા તેમ જ ઊંચા ભાવ 525થી 550 રૂપિયા (પ્રતિ 20 કિગ્રા) રહેવાની ધારણા છે. આવી રીતે કોટન સીડ અૉઇલ કેકના ભાવ નીચામાં 1050થી 1100 રૂપિયા તેમ જ ઉપરમાં 1300થી 1400 રૂપિયા (પ્રતિ 60 કિગ્રા) રહેવાનો અંદાજ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer