બ્રેક્ઝિટ સોદા બાદ સોનામાં નરમાઇ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 અૉકટો.
યુરોપીયન યુનિયન નવા પ્રકારની બ્રેક્ઝિટ ડીલ કરવામાં સફળ રહ્યા છે. અલબત્ત હજુ ત્યાંની સંસદની મંજૂરી આવતીકાલે આવશે પરંતુ બ્રેક્ઝિટનો મુદ્દો ઉકેલાય જશે તેવું જણાતા સોનામાં નફારૂપી વેચવાલી ખૂલતા 1486 ડૉલરનો ભાવ થયો હતો. વૈશ્વિક આર્થિક વિકાસની ચિંતા અને ટ્રેડવોરના મુદ્દાને લીધે સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો છે.
જિયોજિત ફાઈનાન્સિયલના હરીશ વી. કહે છે, ટ્રેડવોર અંગેની અનિશ્ચિતતા અને અન્ય ભૂરાજકીય કારણોને લીધે હજુ પણ સોનામાં સુધારો થવાની શક્યતા વધારે દેખાય છે. પ્રવર્તમાન ઘટાડો નફારૂપી વેચવાલીનો છે. બ્રેક્ઝિટ અંગેની બેઠકમાં ગઇકાલે હકારાત્મક બાબતો બહાર આવવાથી શૅરબજારમાં પણ સુધારો હતો. જોકે, ચીનમાં આર્થિક વિકાસના આંકડાઓ નિરાશાજનક આવી રહ્યા છે એટલે સોનામાં સલામત રોકાણની માગ જળવાઇ રહે છે. બ્રેક્ઝિટ મુદ્દે બજાર એવું માની રહી છે કે બોરિસ જોન્સન બ્રિટનની સંસદમાં યુરોપ સાથે કરવામાં આવેલી ડિલ મંજૂર કરાવી શકે તે મુદ્દે શંકા છે. સંસદમાં આવતીકાલે મુકાશે. જોકે, 31 અૉક્ટોબરે બ્રેક્ઝિટની ડેડલાઇન પૂરી થાય છે.
ચાર્ટની રીતે સોનું રેન્જ બાઉન્ડ સ્થિતિમાં છે. સોનું 1475-1503 ડૉલરની રેન્જમાં અથડાઇ રહેશે તેમ અભ્યાસુઓ માને છે. રાજકોટની સોની બજારમાં 24 કેરેટ સોનું રૂા. 100ના સુધારામાં રૂા. 38,650 અને મુંબઈમાં રૂા. 60 ઘટીને રૂા. 38,330 હતું.
ન્યૂ યોર્કમાં ચાંદી17.39 ડૉલર રનિંગ હતી. સ્થાનિકમાં એક કિલોએ રૂા. 45,400 અને મુંબઈમાં રૂા. 135 ઘટતા રૂા. 45,130 હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer