મહારાષ્ટ્રમાં મિલ્ક પાઉડરની નિકાસ સબસિડી પાછી ખેંચાઈ

પુણે, તા. 18 અૉક્ટો.
વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મિલ્ક પાઉડર (દૂધના પાઉડર)ની નિકાસ ઉપર પ્રતિ એક કિલો રૂા. 50 લેખે અપાતી સબસિડી પાછી ખેંચી લીધી છે. રાજ્ય સરકારે જુલાઈ, 2018માં આ યોજના જાહેર કરી હતી અને મિલ્ક પાઉડરની સબસિડી ઉપરાંત ખેડૂતોને પ્રતિ એક લિટર રૂા. પાંચ સબસિડી પેટે ચૂકવાતા હતા.
રાજ્યભરમાં ડેરી ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ સરકારે આ યોજના જાહેર કરી હતી. ડેરીઓને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી આપીને દૂધના છૂટક ભાવ જાળવી રાખવામાં આવ્યા હતા. 30મી એપ્રિલે યોજના પૂરી થતાં તેને લંબાવવામાં આવી હતી. 
જુલાઈ, 2018માં મિલ્ક પાઉડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂા. 50 સબસિડી જાહેર કરાઈ હતી, તે જ સમયે સરકારે દૂધની ખરીદી ઉપર રૂા. પાંચની સબસિડી પણ જાહેર કરી હતી. એટલે, બે સબસિડી એકસાથે અમલમાં મૂકી શકાય નહીં, તેમ સરકારે જણાવ્યું છે. રાજ્યમાં મિલ્ક પાઉડર પ્રોસેસિંગના ઓછામાં ઓછા 25-30 પ્રોસેસિંગ પ્લાન્ટ્સ છે, પરંતુ આ ક્ષેત્રે ગણ્યા ગાંઠયા ઉત્પાદકોનું વર્ચસ્વ છે અને એ લોકો જ ખેડૂતોને ચૂકવવાના ભાવ નક્કી કરે છે. આથી, સરકારે મુખ્ય સચિવ અનુપ કુમાર અને મિલ્ક કમિશનર નરેન્દ્ર પોયમના વડપણ હેઠળ એક સ્ટડી કમિટી રચી હતી. આ કમિટીનું તારણ છે કે એક સમયે એક જ સબસિડી આપી શકાય.
ગોકુલ મિલ્કના મૅનેજિંગ ડિરેક્ટર ડી.વી. ઘાનેકરે જણાવ્યું કે સરકારના આદેશે ગેરસમજ ઊભી થઈ રહી છે. આ બે પ્રોત્સાહનો વચ્ચે કોઈ સંબંધ નથી. એટલે, સરકારે તેને અટકાવવાં જોઈએ નહીં. ગોકુલે સરકારને મિલ્ક પાઉડરના ઉત્પાદન ઉપર નિકાસ સબસિડીની માગણી કરી છે.
ડેરી ક્ષેત્રના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્ય સરકારે ડેરીઓને હજુ સબસિડીની રકમ ચૂકવવાની બાકી છે. હવે ડેરીઓ દૂધના પ્રાપ્તિ ભાવ બે રૂપિયા ઘટાડશે. દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને લાભ થાય તે માટે મહારાષ્ટ્રમાં દૂધની ખાનગી અને સહકારી ડેરીઓએ પહેલી સપ્ટેમ્બરથી દૂધના પ્રાપ્તિભાવ સમગ્ર રાજ્યમાં સમાન રહે તે માટે વધારીને રૂા. 28 પ્રતિ લિટર કર્યા હતા. આ ડેરીઓ અગાઉ ખેડૂતોને રૂા. 26-28 પ્રતિ લિટર લેખે ભાવ ચૂકવતી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer