ચીનને કૃષિ જણસોની નિકાસ વધારવા ભારત તત્પર છે

મુંબઈ, તા. 18 અૉક્ટો.
કૃષિ જણસોની નિકાસમાં ઘટાડાને અટકાવવા ભારત ચીનનાં બજારો તરફ નજર દોડાવી રહ્યું છે. 2013-14માં કૃષિ જણસોની નિકાસ 43.2 અબજ ડૉલર જેટલી વિક્રમી હતી, પરંતુ તે પછી તેમાં ક્રમશ: ઘટાડો નોંધાયો છે. ગુણવત્તાભર્યાં સંશોધનોના અભાવે તેમ જ લઘુતમ ટેકાના ભાવ વધતાં સ્પર્ધાત્મકતા ગુમાવવાને કારણે આમ જોવા મળ્યું છે.
ઘટતા જતા ભાવ, બદલાતી પસંદગી અને ઘરઆંગણાની નીતિઓને કારણે પણ ગુવાર ગમ, તેલ ખોળ સહિતની જણસોની નિકાસ ઘટી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફક્ત સીફૂડની નિકાસમાં સતત વધારો થયો છે.
તાજેતરમાં ચીનના પ્રમુખ શી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય વાતચીતમાં કૃષિ જણસોની નિકાસ વધારવાનો મુદ્દો ચર્ચાયો હતો. 2014ના નાણાં વર્ષથી અત્યાર સુધી આ નિકાસમાં સતત ઘટાડો નોંધાયો છે. એપ્રિલથી અૉગસ્ટ, 2019 દરમિયાન એપેડા સાથે નોંધાયેલી કૃષિ જણસોની એકંદર નિકાસમાં ડૉલર મૂલ્યની દૃષ્ટિએ 16 ટકા છે. અનાજની નિકાસમાં 22 ટકાનો ધરખમ ઘટાડો છે.
કૃષિ જણસોની એકંદર નિકાસમાંથી અડધોઅડધ નિકાસ એપેડા મારફતે નોંધાય છે. કુલ કૃષિ નિકાસમાં આટલો મોટો ઘટાડો દેખાતો નથી, જેનું કારણ સીફૂડની વધેલી નિકાસ છે. ચીનના પ્રમુખની ભારત મુલાકાત દરમિયાન ભારતીય નિકાસકારોનું લક્ષ કૃષિ નિકાસ વધારવામાં, ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે જે જણસોને ફટકો પડયો છે, તેની નિકાસ વધારવા ઉપર કેન્દ્રિત હતું. અત્યાર સુધી ચીન, ભારતને મર્યાદિત જણસોની નિકાસ કરી શકે છે, જ્યારે ભારતને ચીનના બજારમાં ચોખા અને ખાંડ સહિત અનેક કૃષિ જણસોની નિકાસ માટે પરવાનગી છે.
ભારતીય કંપની ધામપુર સુગરે ચીનના આયાતકારો સાથે 50,000 ટન ખાંડની નિકાસ માટે સમજૂતી કરી છે. ચીને મર્યાદિત માત્રામાં ચોખાની આયાત પણ શરૂ કરી છે અને હજુ 50 કરોડ ડૉલરની ચોખાની નિકાસ માટે સંભાવના છે.
ફેડરેશન અૉફ ઇન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન (એફઆઈઈઓ)ના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું કે વધુ પડતા ઉત્પાદન, બફર સ્ટોક અને ઘટતા ભાવ જેવી સમસ્યાઓને કારણે દેશની કૃષિ નિકાસને ફટકો પડયો છે. જમીન મર્યાદિત છે અને ઉત્પાદકતા ઘટી છે, એટલે કૃષિ જણસોના ભાવ લાંબા ગાળે વધશે. રસપ્રદ વાત એ છે કે દેશની કૃષિ નિકાસનો આધાર આયાતકાર દેશોના ગ્રાહકોની ખરીદશક્તિ ઉપર નિર્ભર છે. મોટા ભાગના દેશો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે દેશની એકંદર કૃષિ નિકાસ ઉપર ટૂંકા ગાળામાં અસર જોવા મળે તે સંભવ છે, પરંતુ લાંબા ગાળે ચિત્ર ઘણું આશાસ્પદ છે.  
જોકે, બજારના નિષ્ણાતો વૈશ્વિક બજારમાં કૃષિ નિકાસ ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મકતા સામે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કૃષિ અર્થશાસ્ત્રી વિજય સરદાના કહે છે કે ભારતીય કોમોડિટીઝ જો ગુણવત્તા અને કિંમતની દૃષ્ટિએ સ્પર્ધાત્મક હશે, તો જ વૈશ્વિક બજારમાં ટકી શકશે. આંતરરાષ્ટ્રીય બજારની વાસ્તવિકતા ધ્યાન ઉપર લીધા વિના ટેકાના ભાવમાં વધારાને કારણે ભારતીય કોમોડિટીઝ મોંઘી બની ગઈ છે.
સરદાના કહે છે કે નિકાસ ઘટવાનું બીજું એક કારણ સંશોધન-નવીનીકરણનો અભાવ છે. આયાતકાર દેશો ભારત કરતાં વધુ સસ્તી પૂરક જણસો અન્ય દેશો પાસેથી ખરીદી શકતા હોય તો તેઓ ભારતની મોંઘી જણસો શા માટે ખરીદે તે સવાલ છે.
2013-14થી 2019-20 દરમિયાન સરકારે તમામ કૃષિ જણસોના ટેકાના ભાવ 50થી 60 ટકા વધાર્યા છે. બીજી તરફ, ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (એફએઓ)ના ડેટા બમ્પર ઉત્પાદનને કારણે કૃષિ જણસોના વૈશ્વિક ભાવ સતત ઘટાડો દર્શાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer