તહેવારોમાં રત્નકલાકારોને રાહત

22થી 27મી સુધી એસટી સિંગલ ભાડું વસૂલશે
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 18 અૉક્ટો.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) વિભાગે આગામી 22થી 27 અૉક્ટોબર સુધી વતન જવા ઈચ્છતા રત્નકલાકારો પાસેથી સિંગલ ભાડું વસૂલવાનો નિર્ણય કર્યો છે. જેનાં પગલે કારીગરવર્ગમાં રાહતની લાગણી જોવા મળી છે. હીરાઉદ્યોગમાં સેંકડો કારીગરોની નોકરી છૂટી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. આવા સમયે દિવાળીએ વતન જતા રત્ન કલાકારોને ભાડાં મુદ્દે રાહત રહેશે. 
લાખોની સંખ્યામાં રત્નકલાકારો સુરતથી વતન બસ મારફતે મુસાફરી કરે છે. એવામાં એસટી વિભાગે મૂકેલી એકસ્ટ્રા બસો જ્યારે સુરત પરત ફરે છે ત્યારે મુસાફરો ન હોવાથી મુસાફરો પાસેથી આવન-જાવન બન્ને તરફનું ભાડું વસૂલવામાં આવે છે. મંદીમાં કારીગરોને રાહત આપતાં એસટી વિભાગે સિંગલ સાઈડનાં ભાડા જાહેર કર્યા છે. ભાડાં આગામી 22થી 27 અૉક્ટોબર દરમિયાન લાગુ કરાશે. 
સુરત ડાયમંડ ઍસોસિયેશને તાજેતરમાં જ આર. સી. ફળદૂને મળી રત્નકલાકારોને મંદીનાં સમયમાં એસટી બસનાં ભાડામાં રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેનાં પગલે એસટી વિભાગે સૌરાષ્ટ્ર અને અન્ય કેટલાંક વિસ્તારની બસોનાં સિંગલ ભાડા જાહેર કર્યા છે. ગત વર્ષે એસટી વિભાગે કારીગરવર્ગ પાસેથી દોઢું ભાડું વસૂલ્યું હતું.
આવતા સપ્તાહથી લાખોની સંખ્યામાં કારીગરો વતન સૌરાષ્ટ્ર તહેવારોની ઉજવણી કરવા માટે જશે. હીરામાં મંદી હોવાથી કારીગરોને આ વર્ષે બોનસ પણ મળ્યા નથી. અનેક કારખાનેદારોએ માત્ર જે-તે દિવસ અને મહિનાનો પગાર ચૂકવ્યો હોવાથી કારીગરવર્ગ આર્થિક મુશ્કેલીમાં સંપડાયો છે. 
સુરતથી રાજકોટનાં સિંગલ સાઈડનું ભાડું રૂા. 240, ગારીયાધાર રૂા. 240, ધારી રૂા. 280, ભાવનગર રૂા. 215, અમરેલી રૂા. 250, મહુવા રૂા. 255, ગઢડા રૂા. 225, જૂનાગઢ રૂા. 280, અમદાવાદ રૂા. 185, ડીસા રૂા. 245, મહેસાણા રૂા. 210, પાલનપુર રૂા. 235 સહિતનાં વિસ્તારનું ભાડું જાહેર કરાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer