રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સર્જ્યું આશ્ચર્ય !

સપ્ટે. 19 ત્રિમાસિકમાં $ 11,262 કરોડનો નફો સર્વોચ્ચ ઊંચાઈએ 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 અૉક્ટો. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝે ત્રિમાસિક સમયગાળાનો અત્યાર સુધીનો સૌથી વધુ રૂા. 11,262 કરોડનો નફો જાહેર કર્યો હતો. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં કંપનીના નફામાં અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં 11.46 ટકા અને એક વર્ષના અગાઉના સમયગાળા કરતાં 18.34 ટકા વધારો થયો હતો. 
કંપનીનું કન્સોલિડેટેડ વેચાણ રૂા. 1,48,526 કરોડ હતું જે એક વર્ષમાં 3.63 ટકા વધારો દેખાડતું હતું. અગાઉના ત્રિમાસિક કરતાં વેચાણ 5.4 ટકા ઘટ્યું હતું. 
`કંપનીએ આ ત્રિમાસિકમાં રેકર્ડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ સુંદર વધારો ઇન્ટેગ્રેટેડ અૉઇલ તો કેમિકલ્સ વૅલ્યૂ ચેનનો ફાયદો દેખાડે છે તેમ જ કન્ઝ્યુમર બિઝનેસમાં ઝડપી વિકાસ પણ જણાવે છે' એમ કંપનીના ચૅરમૅન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું હતું.   સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં ક્રૂડતેલના માર્જિનમાં કંપનીને ફાયદો થયો હતો. પેટ્રોકેમિકલ્સના વૉલ્યૂમમાં પણ વધારો નોંધાયો હતો. ગ્રોસ રિફાઇનિંગ માર્જિન બેરલ દીઠ 9.4 ડૉલર હતું જે અગાઉના ત્રિમાસિકમાં 8.1 ડૉલર હતું.  ત્રિમાસિક પરિણામો જાહેર થાય એ પહેલાં કંપનીનો શૅર ભાવ શુક્રવારે 1.37 ટકા વધીને રૂા. 1415.30 પર બંધ રહ્યો  હતો જે તેની ઐતિહાસિક બંધ ઊંચાઈ હતી. દિવસ દરમિયાન કંપનીનું માર્કેટ કૅપિટલાઇઝેશન રૂા. 9 લાખ કરોડને વટાવી ગયું હતું, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝને દેશની સૌથી ઊંચા મૂલ્યાંકનવાળી કંપની બનાવે છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer