ચૂંટણીનાં પરિણામો કરતાં વધુ અયોધ્યાની ઇંતેજારી

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી રાષ્ટ્રીય રાજકારણમાં નવો તબક્કો - નવો અધ્યાય - શરૂ થશે. ધારણા મુજબ હરિયાણામાં ભાજપ અને મહારાષ્ટ્રમાં ભાજપ - શિવસેનાની સરકાર આવે તો પણ કયા પક્ષને કેટલી બેઠકો મળે છે તે જોવાનું છે. ભાજપે વધુ ઉમેદવારો 164 ઊભા રાખ્યા હોવાથી ગૃહના 288 સભ્યોમાં તેની પોતીકી બહુમતી - 145 - મળશે? શિવસેનાના આદિત્ય ઠાકરે નાયબ મુખ્ય પ્રધાન બને કે નહીં - સરકારમાં એમનો અવાજ - સંભળાશે. સમાંતર સત્તાનાં કેન્દ્ર હશે, પણ હવે શિવસેના જવાબદાર ભાગીદાર તરીકે વાણી-વર્તનમાં સંયમ જાળવે તો પક્ષની અને સરકારની પ્રતિષ્ઠા વધશે.
કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં વળતાં પાણી સ્પષ્ટ છે. બન્નેમાંથી કયા પક્ષને વધુ બેઠકો મળશે? શરદ પવાર માટે આ કસોટીનો સમય છે. કૉંગ્રેસમાં પણ શૂન્યાવકાશ છે. કાર્યકરો અને બીજા સ્તરના નેતાઓ બન્ને પક્ષોનાં જોડાણનો આગ્રહ રાખશે. પણ મુખ્ય પ્રશ્ન નેતાનો છે. ચૂંટણીપ્રચારમાં રાહુલ ગાંધીએ હાજરી આપી પણ હવે પક્ષમાં પણ એમનો ગજ વાગતો નથી- હાક વાગવાના તો દિવસો વીતી ગયા. નોંધપાત્ર વાત એ છે કે પ્રચારના છેલ્લા તબક્કામાં પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘને લાવવામાં આવ્યા. આ વયોવૃદ્ધ નેતાએ અર્થતંત્ર ઉપરાંત રાજતંત્રમાં અભિપ્રાય આપીને કૉંગ્રેસ પક્ષને મદદ કરી છે. સંવિધાનની 370મી કલમ અને વીર સાવરકરના મુદ્દે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસને પડકાર કર્યો હતો કે હિંમત હોય તો 370મી કલમ ફરીથી લાવવાની જાહેરાત કરો. આ કલમ રદ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ રાહુલ ગાંધીએ કર્યા પછી કૉંગ્રેસમાં મતભેદ જાહેરમાં આવ્યા હતા. ઘણા યુવાન નેતાઓએ સરકારને સમર્થન આપ્યું પણ કૉંગ્રેસ હાઈકમાન્ડ (?) ભૂલ સુધારવા તૈયાર નહીં હોવાથી પક્ષની હાલત કફોડી હતી.
મહારાષ્ટ્રમાં આક્રમક મોદીને જોયા પછી `ડેમેજ કન્ટ્રોલ' માટે ડૉ. મનમોહન સિંઘને લાવ્યા અને આંતરિક સલાહ-મશ્વરા મુજબ ડૉ. સિંઘે સ્પષ્ટતા કરી કે કૉંગ્રેસ પક્ષ 370 રદ કરવા માગતો હતો પણ સમજૂતીથી - બળજબરીથી નહીં! (લોકસભામાં કૉંગ્રેસે સરકારના નિર્ણય વિરુદ્ધ મત આપ્યા હતા). આવા ખુલાસાની જનમાનસ ઉપર અસર થવાની આશા નથી, પણ તેની અસર કૉંગ્રેસમાં દેખાશે- રાહુલ ગાંધી વધુ નારાજ થશે અને એમના વિચારથી જુદા પડેલા યુવા - નેતાઓ ખુશ થશે કે ડૉ. સિંઘે પક્ષને બચાવ્યો.
આવી જ રીતે વીર સાવરકરને ભારતરત્ન આપવાનો કૉંગ્રેસે વિરોધ કર્યા પછી ડૉ. સિંઘે સાવરકરનો નહીં, એમના હિન્દુત્વના વિરોધની વાત કરી. આ `સુધારો' પણ મહારાષ્ટ્રના મતદારોનાં માનસ ઉપર અસર કરે તેમ નથી.
બૅન્કોનાં કૌભાંડની શરૂઆત યુપીએ શાસનમાં ભલે થઈ હોય - એનડીએ સરકારે શાસનનાં પાંચ વર્ષમાં સુધારા કરવા જરૂરી હતા- એવા એમના નિવેદનથી કેવા સુધારા થાય છે તે જોવાનું છે.
`અયોધ્યા' : ઇંતેજારી
ચૂંટણીનાં પરિણામ કરતાં અયોધ્યાના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અથવા તો તે પહેલાં સમાધાન - સમજૂતી જાણવાની ઇંતેજારી વધુ છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થયા પછી નવેમ્બરમાં ચુકાદો આવશે, પણ આ દરમિયાન સમજૂતીના પ્રયાસ જારી રાખવાની પરવાનગી અદાલતે આપી છે.
ધર્મવિવાદના કેસમાં અદાલત કરતાં આપસમાં વાટાઘાટથી નિરાકરણ થાય એ વધુ ઇચ્છનીય છે અને શુભ સંકેત એવા છે કે હિન્દુ-મુસ્લિમ - બંને પક્ષકારો સમાધાનની દિશામાં આગળ વધી રહ્યા છે. અન્ય કોઈ ધર્મસ્થાનના વિવાદ નહીં થાય, અન્યત્ર મસ્જિદ બાંધવામાં સહકાર મળશે. જમીન મળશે- આવી સમજૂતી થાય તો સોનાનો સૂરજ ઊગે અને અયોધ્યા જ નહીં, દેશભરમાં ભાઈચારાથી વિશેષ શાંતિ રહે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ સુનાવણી માટે સમયમર્યાદા બાંધીને પક્ષકારો - વકીલોને પણ બાધ્ય કર્યા તેનું આ પરિણામ છે. અદાલત બહાર સમજૂતી થાય તો પણ યશના અધિકારી મુખ્ય ન્યાયમૂર્તિ હશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer