કપાસ ઉગાડતા ખેડૂત જામફળમાં ખોબલો ભરીને કમાયા

કપાસ ઉગાડતા ખેડૂત જામફળમાં ખોબલો ભરીને કમાયા
બોટાદના ભદ્રાવડી ગામના ખેડૂત ગોપાલ કાનેટિયાને સજીવ ખેતીએ કરાવ્યો અઢળક  ફાયદો 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 18 અૉક્ટો.
ખેતીમાં અલગ ચીલો ચાતરવામાં આવે તો ખેડૂત સારી કમાણી કરી શકે છે. આ વાત અનેક કિસ્સાઓમાં સત્ય સાબિત થઇ છે. બોટાદના એક નાનકડા ગામના ખેડૂત કે જે શિક્ષણનો ખાસ મેળવી શક્યા નથી, પણ સૂઝબૂઝથી જામફળની અફલાતૂન ખેતી કરીને ધૂમ કમાણી કરે છે. 
બોટાદ નજીકના ભદ્રાવડી ગામના ખેડૂત ગોપાલ કાનેટિયા અગાઉ કપાસની ખેતી કરતા હતા અને એક વીઘે પાંચ હજારના ખર્ચ સામે 15 હજારની આવક થતી હતી. જોકે, જામફળની ખેતીમાં તેમને એક વીઘે રૂા. 45 હજારની આવક થાય છે અને પ્રત્યેક વીઘે નિંદામણનો માત્ર રૂા. ત્રણથી ચાર હજારનો ખર્ચ આવે છે. આમ કપાસ કરતાં જામફળની ખેતીમાં નજીવા ખર્ચે લાખો રૂપિયાની કમાણી થાય છે. 
જામફળની ખેતીનો વિચાર તેમને ગુજરાતના બાગાયતી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન બાદ આવ્યો. આજે તે સફળ ખેડૂત છે.  ત્રણ વર્ષથી જામફળની ખેતીથી તેમને સારો લાભ થાય છે અને હાલ 7 વીઘામાં તે જામફળની ખેતી
કરે છે.  
ભાવનગર ગ્રામ્ય વિસ્તારોના જામફળ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. તેમાંય વળી, દેશી લાલ જામફળની તો વાત જ અનેરી છે. ગોપાલભાઈનું કહેવું છે ઓર્ગેનિક ખેતીથી ફાયદો થઈ રહ્યો છે. કપાસ કરતાં ત્રણ ગણી આવક જામફળમાં છે. તેના માટે ગૌમૂત્ર, છાણીયું ખાતર, જીવામૃત અને ડી કમ્પોસ્ટ જેવાં દેશી ખાતરનો ઉપયોગ કરે છે. જામફળની ખેતીમાં કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવામાં આવતો નથી, તેમજ પાણીની ટપક પદ્ધતિની વ્યવસ્થા ગોપાલભાઈ દ્વારા કરવામાં આવી છે. 
ગોપાલભાઈ તેમના ગામના અન્ય ખેડૂતોને પણ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપી પોતાની કોઠાસૂઝ મુજબનું માર્ગદર્શન પૂરું પાડે છે. તેમને ટપક સિંચાઈ તેમજ પાકની નવી જાત અને ખાતરનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા સમજાવે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer