કાપડ ઉદ્યોગને આરસેપમાંથી બાકાત રાખવા માગ

કાપડ ઉદ્યોગને આરસેપમાંથી બાકાત રાખવા માગ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 18 ઓક્ટો.
આરસેપના કરારથી ચિંતિત બનેલા ઉદ્યોગકારોએ કાપડઉદ્યોગને તેમાંથી બાકાત રાખવાની માગ કરી છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સનું એક પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં વાણિજ્ય મંત્રાલય અને નાણામંત્રીને મળી રજૂઆત કરશે તેવો નિર્ણય ઉદ્યોગકારોની મળેલી બેઠકમાં કરાયો છે.
બેઠકમાં શહેરનાં પાવરલૂમ્સનાં ઉદ્યોગકારો, સંગઠનોનાં પદાધિકારીઓ, મુંબઇ, ભિવંડી, માલેગાંવ, ઈચલકરંજી અને અમદાવાદથી પાવરલૂમ્સ ઍસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર આગામી નવેમ્બર માસમાં આરસેપ કરાર કરવા જઈ રહ્યું છે.  કરારથી ઘરઆંગણાના કાપડઉદ્યોગને મોટું નુકસાન થાય તેમ છે. ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈએ કહ્યું હતું કે, આરસેપ કરારથી કાપડઉદ્યોગને થનાર નુકસાન અંગેની વિસ્તૃત માહિતી સરકારમાં રજૂ કરાશે. આ માટે ઉદ્યોગનાં દરેક ક્ષેત્રના આગેવાનો અને નિષ્ણાતોનાં સૂચનો લેવામાં આવશે. 
ભિવંડી પાવરલૂમ ઍસોસિયેશનનાં પુનિત ખીમસિયા કહે છે કે, નવેમ્બરમાં આરસેપમાં ચીન પણ જોડાશે. આ કરાર બાદ ચીન સીધું ભારતમાં પોતાના માલનું વેચાણ કરી શકશે. મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ચીન આપણાં દેશમાં ઠાલવશે. જેથી સમગ્ર કાપડઉદ્યોગને મોટી અસર થવાની ભીતિ છે. ચીન પાસે હાલમાં 50 બિલિયન ડૉલરનો માલ પડયો છે. આરસેપ કરાર બાદ ચીન પાસે આ માલ ઠાલવવા માટે ભારત સિવાય બીજું કોઈ મોટું માર્કેટ નથી.
આદિત્ય બિરલા ગ્રુપના કિરણ પંડયા કહે છે કે, ચીન કોઈપણ હિસાબે મોટા માર્કેટની તલાશમાં છે. આરસેપ કરારથી તેને જોઈતું મળી રહેશે. સરકાર આ કરાર કરશે તો મેઈક ઈન ઇન્ડિયાનાં વિચારને ગંભીર અસર થશે. ફીઆસ્વીનાં ચૅરમૅન ભરત ગાંધીએ કહ્યું હતું કે, સરકાર વિશ્વકક્ષાએ સર્વિસ ઈન્ડસ્ટ્રી ઉભી કરવાની વાત કરે છે અને ઘરઆંગણે જ આપણો ધંધો નહિ ચાલે તો આપણી સર્વિસ કોણ લેશે? આરસેપ કરારથી ભવિષ્યમાં ઉભી થનારી મુશ્કેલીઓની વિગતવાર માહિતી એકત્ર કરી સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
જીએફઆરઆરસીનાં ગિરધર ગોપાલ કહે છે કે, એફટીએ ઘણાં વર્ષોથી ચાલે છે તો આરસેપ કરાર કરવાની સરકારને શા માટે જરૂરિયાત ઉભી થઈ છે? આ તબક્કે ભારતમાં કાચો માલ આયાત કરવાની જરૂરિયાત નથી.
બેઠકમાં ભિવંડીનાં સરોજભાઈએ કહ્યું હતું કે, નીતિઆયોગના રિપોર્ટમાં આરસેપ કરાર ભારતનાં હિતમાં નથી તેવું ટાંકવામાં આવ્યું છે. અગાઉ એસોચેમના અભ્યાસમાં પણ આરસેપને લઈને તારણ બહાર આવ્યું છે જેમાં ભારતે આ કરારથી દૂર રહેવું જોઈએ. અમેરિકા સાથેના વેપારયુદ્ધ બાદ ચીન ભારતનું માર્કેટ હાંસલ કરવાની ફિરાકમાં છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer