લોખંડના ઉત્પાદકો દ્વારા નિકાસ વધારવાના સઘન પ્રયાસો

લોખંડના ઉત્પાદકો દ્વારા નિકાસ વધારવાના સઘન પ્રયાસો
ચિંચવડ-નાશિક ખાતેથી અૉટોપાર્ટસની માગમાં ધીમો સુધારો
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 18 અૉકટો.
લોખંડની માગમાં જુલાઈથી સપ્ટેમ્બર '19ના ત્રિમાસિકમાં વધારો થયો નથી. જેથી અૉક્ટોબર માટે તમામ મુખ્ય લોખંડ ઉત્પાદકોએ ભાવ અગાઉની સપાટીએ જાળવ્યા છે. જોકે, રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ (આરઆઈએનએલ) દ્વારા વધતી ઇન્વેન્ટરીને ઘટાડવા માટે કેટલીક પ્રોડક્ટના ભાવમાં ટનદીઠ રૂા. 500થી રૂા. 700નો ઘટાડો જાહેર કરાયો હોવાનું કંપની સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે જિંદાલ ગ્રુપ સહિતના અગ્રણી લોખંડ ઉત્પાદકોએ એશિયન દેશોમાં (ચીન સિવાય) નિકાસ વધારવા પ્રયાસ તેજ કર્યા છે. અલબત્ત સ્થાનિક બેન્ચમાર્ક સામે નીચા નિકાસ ભાવે તેઓ વ્યાજબોજ ઘટાડવા માટે વિદેશમાં માલ રવાનગી કરવા તૈયાર છે!
બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોમાસુ લંબાયું હોવા સાથે મોટા માળખાકીય પ્રોજેક્ટોના નવા ફન્ડિંગ પૂરતા નહીં થવાને લીધે લોખંડની માગ સુધરતી નથી. બીજી તરફ મુંબઈ વિભાગમાં હવે દિવાળી પછી જ બાંધકામ ક્ષેત્રની નવી માગ શરૂ થવાની સંભાવના છે. અત્યારે લોખંડ બજારોમાં સ્ટોકિસ્ટો પાસે મોટો સ્ટોક નથી. આમ છતાં લોખંડની સરેરાશ માગ વધતી નથી. સ્ટોકિસ્ટોએ અૉર્ડર જેટલો જથ્થો મગાવાનું વલણ લીધું હોવાથી બજારની ઇન્વેન્ટરી-સ્ટોકની પાઇપલાઇન ખાલી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉના મહિનાઓ સામે પુણે-ચિંચવડ- નાશિક વિભાગના ઓટો પૂર્જા મેન્યુફેકચરરોના નવા સ્પોર્ડર અલબત્ત `ધીમા' શરૂ થયા છે. સંભવત: દિવાળી પછી માગ વધુ સુધરે તેવી આશાએ તેમણે અગાઉનો લાંબો ઉત્પાદનકાપ થોડો ઓછો કર્યો હોવાના સંકેત છે.
લોખંડ બજારમાં સતત દોઢેક વર્ષથી કપરી નાણાભીડ ચાલુ છે. દિવાળીના આખરી હિસાબો પછી બજારની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. બીજી તરફ બૅન્કોએ વેપારીઓને વધુ ધિરાણ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી અગાઉના ધિરાણ ભરપાઈ કરવા તકાદો શરૂ કર્યાના અહેવાલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer