સોના કરતાં ચાંદીમાં અને પ્લેટિનમમાં ત્રણ ગણી વધુ તેજી જોવાશે

સોના કરતાં ચાંદીમાં અને પ્લેટિનમમાં ત્રણ ગણી વધુ તેજી જોવાશે
સોનું $ 1658, ચાંદી $ 23 અને પ્લેટિનમ $ 1182 થવાની ધારણા
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. 18 અૉક્ટો.
રોકાણકારો વિશ્વના અપેક્ષાથી નબળા ડેટા આવે ત્યારે પોતાનો પ્રતિભાવ તુરંત વ્યક્ત કરે છે. આ તમામ ઘટનાઓને આધારે આજે ચીનના શેન્ગ્ઝીયાંગ શહેરમાં એલબીએમએ (લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન) દ્વારા આયોજિત વાર્ષિક બુલિયન કોન્ફરન્સની પૂર્ણાહુતિ નિમિત્તે, ઉપસ્થિત બુલિયન ટ્રેડર્સએ તમામ કીમતી ધાતુ માટે મોટી તેજીની આગાહી કરી હતી. એક સર્વેક્ષણમાં સરેરાશ રોકાણકારોએ આગામી વર્ષના આ સમયે સોનાના ભાવ, વર્તમાન ભાવ કરતા 11 ટકા ઊંચા 1658 ડોલર પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ) રહેશે એવી આગાહી કરી હતી.  
ગયા વર્ષની આ સમયે યોજાયેલ વાર્ષિક બુલિયન કોન્ફરન્સમાં કરાયેલી આગાહી પ્રમાણમાં સાચી ઠરતા, આ વર્ષની આગાહીને બજારે વધુ ગંભીરતાથી લીધી છે. ગયા વર્ષની કોન્ફરન્સમાં ટ્રેડર્સએ 1532 ડોલર અંદાજ્યા હતા, જે અૉકટોબર મહિનામાં ભાવ આગાહીની નજીક જોવા મળ્યા હતા. અલબત્ત ગુરુવારે ભાવ 1495 આસપાસ રહ્યા હતા. કોન્ફરન્સમાં સોના કરતા ચાંદી અને પ્લેટિનમમાં ત્રણ ગણી વધુ તેજી અંદાજવામાં આવી હતી. ચાંદીના વર્તમાન ભાવ 17.45 ડોલર સામે 32 ટકાની વૃદ્ધિ સાથે 23 ડોલર રહેવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. આને આધારે રેશિયો ટ્રેડરો માટે ગોલ્ડ:સિલ્વર રેશિયો 1:72નો મૂકવામાં આવ્યો હતો.  
ચાંદીની માફક જ ટ્રેડર્સ પ્લેટિનમમાં પણ મોટી તેજી ઘૂંટાતી હોવાની આગાહી કરી રહ્યા છે. બુલિયન કોન્ફરન્સમાં પ્લેટિનમનાં ભાવ 34 ટકા વધીને 1182 ડોલર થવાની આગાહી કરવામાં આવી હતી, જે આજે 890 ડોલર હતા. પેલેડિયમમાં આ વર્ષે જોવાયેલી જબ્બર તેજી હજુ પૂરી નથી થઇ. આવું માનતા ટ્રેડર્સએ પેલેડિયમનાં ભાવ 10 ટકા વધીને 1924 ડોલર થાવનું અનુમાન મૂક્યું હતું, જે આજે 1740 ડોલર હતા.  
વૈશ્વિક મધ્યસ્થ બૅંકોએ હળવી નાણાનીતિ અપનાવવામાં આવતા અને સતત વધી રહેલા મંદીના ભય વચ્ચે આ વર્ષે સોનાના ભાવ અત્યાર સુધીમાં 20 ટકા જેટલા વધ્યા છે. 3 સપ્ટેમ્બરે ભાવ છ વર્ષની ઊંચાઈએ 1555 ડોલરની નવી ઊંચાઈએ મુકાયા હતા. છેલ્લા એક દાયકામાં સોનાના ભાવ 20 ટકા કરતા વધુ વધ્યા હોય તેવી, આ વર્ષેની આ તેજી બીજી ઘટના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer