નવી ટેક્સ્ટાઈલ પૉલિસીમાં

નવી ટેક્સ્ટાઈલ પૉલિસીમાં
ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સનો વપરાશ મંત્રાલયો માટે ફરજિયાત બનાવાશે
નવી દિલ્હી, તા. 18 અૉક્ટો.
કેન્દ્ર સરકારની ટેક્સ્ટાઈલ પૉલિસી 2000માં જાહેર થઈ હતી અને ત્યાર બાદ જાહેર થઈ નથી. હવે તા. 1 એપ્રિલ, 2020ના રોજ નવી ટેક્સ્ટાઈલ પૉલિસી જાહેર કરવામાં આવશે એવી શક્યતા છે. આમાં મંત્રાલયો માટે અને પબ્લિક એજન્સીઓ માટે ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સનો વપરાશ ફરજિયાત બનાવવાનું સરકાર વિચારે છે. નવી ટેક્સ્ટાઈલ પૉલિસીનો હેતુ સ્થાનિક ઉત્પાદન વધારવાનો અને રોજગારની તક વધારવાનો હશે.
ફરજિયાત વપરાશ માટે ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સની 92 કેટેગરીઓની પસંદગી થઈ છે. તેમાં આગપ્રતિરોધક પડદા, રેલવે માટે જીઓગ્રીડ, સશસ્ત્ર દળો માટે બુલેટપ્રૂફ જેકેટ, કૃષિ ચીજોના વહન માટે લીનો બેગ્સ, તંબુઓ માટે આર્કિટેકચરલ મેમ્બ્રાન્સ વગેરેનો સમાવેશ થાય છે. મોટું ઈન્ફ્રાસ્ટ્રકચર અને પબ્લિક વકર્સ હાથ ધરનારા સાત મંત્રાલયો આ પહેલની આગેવાની લેશે.
ટેક્નિકલ કે એન્જિનિયર્ડ ટેક્સ્ટાઈલ્સનો ઉપયોગ એરોસ્પેસ, શિપિંગ, સ્પોર્ટસ, ખેતીવાડી, સંરક્ષણ અને આરોગ્ય જાળવણીના ક્ષેત્રે થાય છે. આ ઉપરાંત અૉટોમોબાઈલ, કન્સ્ટ્રકશન અને કૃષિ ક્ષેત્રે એનો વપરાશ વધતો જાય છે.
અંદાજે 2100 ઉત્પાદક એકમો કાર્યરત છે જે મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં છે. આમાં 348 ઉત્પાદનો સ્ટાન્ડર્ડાઈઝ કરાયા છે. આમાંથી 92 નવી કેટેગરીઓ ફરજિયાત વપરાશ માટે અલગ તારવવામાં આવી છે. ભારતમાં કુલ ટેક્સ્ટાઈલ વેલ્યૂ ચેઈનમાં 12થી 15 ટકા હિસ્સો ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સનો છે. 40 નવા પ્રોડક્ટસને એચએસએન કોડ મળશે.
પાછલાં અમુક વર્ષોમાં ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સનો સરેરાશ વાર્ષિક વિકાસદર 12 ટકાનો નોંધાયો છે. 2020-21 સુધીમાં સ્થાનિક બજારનું કદ વધી બે લાખ કરોડ ડૉલર થવાની શક્યતા છે. વૈશ્વિક ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ માર્કેટમાં ભારતનો હિસ્સો 4 ટકાનો છે.
કૅબિનેટ ટૂંકમાં જ આ બાબતની ચર્ચા કરશે અને આ માટેના રુલ્સ નોટિફાઈ કરશે.
ભારતની તૈયાર વસ્ત્રોની નિકાસ વાર્ષિક 16 અબજ ડૉલરની થાય છે અને 2018-19માં તેમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનાઓમાં નિકાસ 6.8 અબજ ડૉલરની થઈ છે. આની સામે ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સના સ્ટાન્ડર્ડડાઈઝ કરાયેલા 348 પ્રોડકટસની નિકાસ 2019ના જાન્યુઆરીથી જૂનમાં 17 ટકા વધી છે.
સરકાર નિકાસકારો માટે વર્કશોપનું આયોજન કરનાર છે. આમાં ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સના 6 કોર્સ શરૂ થશે.
વૈશ્વિક ટેક્નિકલ ટેક્સ્ટાઈલ માર્કેટ 2017માં 234 અબજ ડૉલરની હતી, જે 2025 સુધીમાં વધી 334 અબજ ડૉલરની થવાની ધારણા છે. આમ 2018થી 2025 સુધીમાં કમ્પાઉન્ડ વાર્ષિક વિકાસદર 4.5 ટકા રહેવાની ધારણા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer