સિરામિકની નિકાસને ફટકો થોડા સમય પૂરતો હશે

સિરામિકની નિકાસને ફટકો થોડા સમય પૂરતો હશે
સમસ્યાને પહોંચી વળવા ઉદ્યોગ આશાવાદી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 અૉક્ટો.
સિરામિક પ્રોડક્ટ્સની નિકાસમાં તીવ્ર વૃદ્ધિદર ધરાવતા મોરબીના ઉદ્યોગકારોને સાઉદી અરેબિયાના નવા નિયમોને લીધે ફટકો પડવાનો છે. જોકે, નિકાસમાં ઘટાડો કામચલાઉ હશે અને તેની ખાધ અન્ય દેશો દ્વારા પૂરાય જશે એવો સૂર ઉદ્યોગકારોમાંથી ઊઠયો છે. 
મોરબીના સિરામિક ઉદ્યોગનું ટર્નઓવર ગત નાણાકિય વર્ષે રૂ. 35,000 કરોડ હતું. કુલ ટર્નઓવરના 35 ટકા અર્થાત્ રૂ. 12,000 કરોડ આસપાસ નિકાસ થઇ રહી છે. સાઉદી અરેબિયામાં લગભગ 20 - ટકા માલ જતો હતો. હવે નિકાસના નવા નિયમોથી ત્યાં હાલ તો માલ જવાનું સંપૂર્ણ બંધ થઇ ગયું છે.
મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેષ જેતપરીયા કહે છે, સાઉદીમાં નિકાસ કરવા માટે સાસો નામનું સર્ટિફિકેટ મેળવવું પડે છે. આ એક ક્વૉલિટી અંગેનું સર્ટિફિકેટ છે. અગાઉ સામાન્ય ક્વૉલિટી સર્ટિફિકેટથી નિકાસ થતી. હવે સાઉદીમાં કડક નિયમો બનતા નિકાસકારોને કંપનીની ઓનલાઇન નોંધણી કરવી પડે છે. એ ઉપરાંત રજિસ્ટ્રેશન પણ નવેસરથી કરવું પડે છે. એનું ખર્ચ રૂ. 15-17 લાખ થઇ જાય છે. 
મોરબીથી સાઉદીમાં નિકાસ કરનારા આશરે 400-450 કારખાના છે. એમાંથી ફક્ત બે કારખાનાઓએ સાઉદીનું આ સર્ટિ. મેળવ્યું છે. આમ ત્યાંની નિકાસ અત્યારે સંપૂર્ણ બંધ જ છે. પાછલા વર્ષની નિકાસના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો સાઉદીમાં નિકાસ સહેજે રૂ. 2200-2400 કરોડ જેટલી થાય છે. એ હાલ અટકી પડી છે.
આ મુદ્દે સિરામિક ઉદ્યોગકાર કે. જી. કુંડારિયા કહે છે કે, સાઉદી અરેબિયામાં નિકાસ એ ઉદ્યોગનો મહત્ત્વનો હિસ્સો હતો એ બંધ થયો છે. જોકે, તેનાથી ગભરાવાની એટલા માટે જરૂર નથી, કારણ કે ઉદ્યોગ અન્ય 170 જેટલા દેશોમાં નાની-મોટી નિકાસ કરે છે. તેમના મતે મોરબીના સિરામિકની નિકાસનો વૃદ્ધિદર આશરે 25-30 ટકા જેટલો છે. સાઉદી સિવાયના દેશોમાં નિકાસ વધી જ રહી છે ત્યારે 20 ટકા જેટલો સાઉદીનો હિસ્સો કપાય જાય તો પડનારું ગાબડું અન્ય દેશો દ્વારા ભરાય જશે. નિકાસ ઘટાડાને કારણે ટૂંકાગાળામાં ઉદ્યોગકારોને આકરું લાગશે, પણ થોડાં સમયમાં સ્થિતિ સામાન્ય થઇ જાય તેમ છે.
સિરામિક ઉદ્યોગ હવે અમેરિકા, યુરોપ અને બ્રાઝિલ જેવા અતિ વિકસેલા દેશોમાં પણ મોટાંપાયે નિકાસ કરે છે. નિકાસ ઉત્તરોત્તર વધતી રહી છે ત્યારે સાઉદીનો માર ઉદ્યોગને થોડો સમય લાગશે.
તેમણે ઉમેર્યું કે, સાઉદીના સર્ટિફિકેટ મેળવ્યા પછી પણ નિકાસ મુશ્કેલ બનશે, કારણ કે ત્યાં 300-400 ટકા જેટલી એન્ટિ ડમ્પિંગ ડયૂટી લગાવવા માટેની પણ તૈયારી થઇ રહી છે. જો ડયૂટી ઊંચી લાગે તો નિકાસ એમ પણ બંધ જ થઇ જવાની છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer