મહારાષ્ટ્ર સરકારે અૉનલાઈન ખરીદી માટે ખેડૂત નોંધણીની તારીખ લંબાવી

મહારાષ્ટ્ર સરકારે અૉનલાઈન ખરીદી માટે ખેડૂત નોંધણીની તારીખ લંબાવી
પુણે, તા. 18 અૉક્ટો.
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂતોને અૉનલાઈન નોંધણી કરાવવાની મુદત લંબાવી છે. મગ અને અડદ માટે અૉનલાઈન નોંધણીની મુદત 31મી અૉક્ટોબર અને સોયાબીન માટે 15મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધીમાં મગ વેચવા 25,722 ખેડૂતોએ નોંધણી કરાવી હતી અને 4217 ખેડૂતોને સ્વીકારની પાવતી મોકલવામાં આવી છે. અડદના વેચાણ માટે 8360 ખેડૂતોની નોંધણી તેમ જ સોયાબીનના વેચાણ માટે 13427 ખેડૂતોની નોંધણી થઈ છે.
પ્રાઈસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ ફાર્મર પ્રોડયુસર કંપની (એફપીસી)ઓને ખરીદ પ્રક્રિયામાં સામેલ કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે. એફપીસીના એપેક્સ બોડી મહા એફપીસીએ આ સપ્તાહથી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા માટે ગ્રામ્ય સ્તરે પ્રોક્યોરમેન્ટ સેન્ટર્સ સ્થાપ્યાં છે. ખેડૂતો પાસેથી વિવિધ જણસો ટેકાના ભાવે ખરીદવા માટે એફપીસીને સ્ટેટ લેવલ એજન્સી (એસએલએ)નો દરજ્જો આપવામાં આવ્યો છે.
હાલમાં મગ અને અડદમાં પ્રતિ ક્વિન્ટલ અનુક્રમે રૂા. 7050 અને રૂા. 5600ના ટેકાના ભાવ કરતાં નીચા બજાર ભાવ છે. લાતુરની એપીએમસીના ચૅરમૅન લલિત શાહે કહ્યું કે બજારમાં મગની આવક દૈનિક માત્ર 1500 ક્વિન્ટલ જેટલી નબળી છે, જ્યારે ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 5500થી રૂા. 6500 છે, જ્યારે નબળી ગુણવત્તા ધરાવતા અડદનો બજાર ભાવ રૂા. 5000-5500 તેમ જ સારી ગુણવત્તાના અડદનો ભાવ રૂા. 6500 પ્રતિ ક્વિન્ટલ છે.
સોયાબીનની આવક પણ ધીમે ધીમે શરૂ થઈ રહી છે. તેનો બજાર બાવ પ્રતિ ક્વિન્ટલ 3600 છે અને ભેજનું પ્રમાણ 15-16 ટકા છે. શાહે કહ્યું કે જો ભેજનું પ્રમાણ 10થી 11 ટકા હોય તો વેપારીઓ માલ ખરીદતા નથી.
મહાએફપીસીના મૅનેજિંગ ડિરેક્ટર યોગેશ થોરાટે કહ્યું કે મગના બજાર ભાવ પ્રતિ ક્વિન્ટલ 600થી 700 એટલે કે ટેકાના ભાવથી નીચે છે, જ્યારે અડદના બજાર ભાવ પણ ટેકાના ભાવથી નીચે પ્રતિ ક્વિન્ટલ રૂા. 300-400 છે. ગયા વર્ષે રાજ્ય સરકારે 35,000 ટન અડદ અને 35,000 ટન મગ ખરીદ્યા હતા.
સોયાબીનની સિઝન હજુ હમણાં જ શરૂ થઈ હોવાથી તેનું લક્ષ્યાંક આગામી દિવસોમાં નક્કી કરાશે. થોરાટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે પ્રોક્યોરમેન્ટ માટેનું કોઈ લક્ષ્યાંક હજુ જાહેર કર્યું નથી, પરંતુ સામાન્ય રીતે ઉત્પાદનના 25 ટકા ખરીદી કરાય છે. આ સિઝનમાં મહાએફપીસી 9000 ટન મગ અને 10,000 ટન અડદ ખરીદશે. મહારાષ્ટ્ર સરકારે ચૂકવણીમાં વિલંબ ન થાય તે માટે રૂા. 300 કરોડનું રિવોલ્વિંગ ફંડ રાખ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કુલ રૂા. 250 કરોડની ખરીદી કરાશે, તેવી ધારણા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer