સબસિડીથી ઈરાનને ખાંડની નિકાસ સંભવ થઈ

સબસિડીથી ઈરાનને ખાંડની નિકાસ સંભવ થઈ
મુંબઈ, તા. 18 અૉક્ટો.
નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલી ખાંડ મિલોને રાહત આપવા કેન્દ્ર સરકારે નિકાસ ઉપર જાહેર કરેલી સબસિડીથી ખાંડ મિલોને ફાયદો થયો છે અને ઈરાનને ખાંડના પુરાંત જથ્થાની મોટા પાયે નિકાસ કરવામાં આવી રહી છે. અમેરિકાએ લાદેલા પ્રતિબંધોને કારણે ઈરાન ખાદ્ય પુરવઠો સુરક્ષિત કરવા માટે ચિંતિત હોવાથી ભારતીય ખાંડની આક્રમક ખરીદી કરી રહ્યું છે.
વેપારીઓ જણાવે છે કે ભારત વિશ્વમાં ખાંડનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તેની નિકાસોને પગલે ખાંડના વૈશ્વિક ભાવ ઘટી શકે છે, પરંતુ ભારત માટે આ સારી બાબત છે, કેમકે નિકાસ વધારીને તે પોતાની ઈન્વેન્ટરી ઘટાડીને ઘરઆંગણે ભાવમાં ઘટાડો અટકાવી શકે છે. એક વેપારીએ જણાવ્યું કે ભારતના ટ્રેડિંગ હાઉસીઝે ઈરાનને અૉક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 3.50 લાખ ટન ખાંડની નિકાસ માટે સોદા કર્યા છે. તે ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન અને આફ્રિકાના દેશોને પ્રતિ એક ટન 315 ડોલરના ભાવે  વધુ 1.50 લાખ ટનની નિકાસ કરવાના કરાર થયા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાંડનો પ્રતિ એક ટન ભાવ બુધવારે 347.60 ડૉલર હતો. નિકાસ વધારીને મિલો નવી સિઝનના ઉત્પાદન માટે ગોદામોમાં જગ્યા ખાલી કરી રહી છે અને શેરડી ખરીદવા નાણાં એકત્ર કરી રહી છે.
કેન્દ્ર સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ માટે પ્રતિ એક ટન રૂા. 10,448ની સબસિડી મંજૂર કરી છે. પરંતુ ટ્રેડર્સ વૈશ્વિક ભાવ નીચા હોવાથી આશરે 40 લાખ ટન નિકાસ કરવા ધારે છે. સરકારના અંદાજ પ્રમાણે ખાંડની નવી સિઝનમાં બાકી આગળ ખેંચેલો સ્ટોક 142 લાખ ટન હશે. નવેમ્બર મહિનાથી ખાંડ મિલો શેરડીનું પિલાણ શરૂ કરશે અને આ માર્કેટિંગ વર્ષે તે 2.63 કરોડ ટન ખાંડનું ઉત્પાદન કરશે, જે પાછલા વર્ષ કરતાં 330 લાખ ટન ઓછું હશે, પરંતુ દેશમાં 260 લાખ ટનની માગ કરતાં વધુ હશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer