વેજિટેબલ તેલની આયાત ત્રણ ટકા વધી

વેજિટેબલ તેલની આયાત ત્રણ ટકા વધી
ભારતે વધુ ડયૂટી લાદવાની તૈયારી કરતાં મલેશિયા ગભરાયું
પુણે, તા. 18 અૉક્ટો.
નવેમ્બર, 2018થી સપ્ટેમ્બર, 2019 દરમિયાન વેજિટેબલ તેલની કુલ આયાત 1,37,69,847 ટનથી ત્રણ ટકા વધીને 1,41,71,462 ટન નોંધાઈ છે. સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્ટર્સ ઍસોસિએશન (સી) અૉફ ઈન્ડિયાના આંકડા મુજબ સપ્ટેમ્બર, 2019માં વેજિટેબલ તેલની આયાત 13 ટકા ઘટીને 13,03,976 ટન (2018માં 14,91,174 ટન) થઈ હતી, જેમાં ખાદ્ય તેલની નિકાસ 12,54,443 ટન અને બિન-ખાદ્ય તેલની નિકાસ 49,533 ટન હતી.
`સી'એ નોંધાવેલી સેફગાર્ડ ડયુટી પિટિશનના જવાબમાં સરકારે આરબીડી પામોલીન/મલેશિયાથી આયાત થતા પામતેલ ઉપર ચોથી સપ્ટેમ્બર, 2019ના રોજની અસરથી પાંચ ટકા સેફગાર્ડ ડયુટી લાદી છે. આને કારણે ક્રૂડ અને રિફાઈન્ડ પામ તેલ વચ્ચે ડયુટીનો તફાવત વધીને 10 ટકા થયો છે. સપ્ટેમ્બર, 2019માં આરબીડી પામોલીનની આયાત વધતે ઓછે અંશે પાછલા મહિના જેટલી જ રહી છે, પરંતુ મલેશિયાથી આયાત થતા જથ્થામાં પાછલા મહિનાની સરખામણીએ એક તૃતિયાંશ જેટલો ઘટાડો થયો છે.
`સી'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ કહ્યું કે સપ્ટેમ્બરમાં યોજાયેલી યુનાઈટેડ નેશન્સની બેઠક દરમિયાન મલેશિયાના તોછડા વર્તનને કારણે કેન્દ્ર સરકાર મલેશિયાથી થતી પામતેલની આયાત અટકાવવા પગલાં લેશે તેવું અનુમાન છે. મલેશિયાએ ભારત ઉપર આક્ષેપ કર્યો હતો કે ભારતે જમ્મુ-કાશ્મીરમાં જબરદસ્તી કબજો જમાવ્યો છે. મલેશિયાના આક્ષેપનો પ્રત્યુત્તર વાળવા ભારત સરકાર પગલાં લેશે તેવા ભયથી અનેક આયાતકારો અને રિફાઈનરીઓએ નવેમ્બર-ડિસેમ્બરમાં મળનારી ડિલિવરી માટે મલેશિયાને બદલે ઈન્ડોનેશિયાથી ખરીદી કરવા માંડી છે.
દરમિયાન ભારત, મલેશિયાથી આયાત થતા પામતેલ ઉપર સકંજો કસવાના અહેવાલોથી ગભરાયેલું મલેશિયા ભારતને ખુશ કરવા અહીંથી ક્રૂડ અને ખાંડ જેવી અન્ય કોમોડિટીઝની આયાત વિશે વિચાર કરી રહ્યું છે. મલેશિયા વિશ્વનો બીજો સૌથી મોટો (પહેલો ઈન્ડોનેશિયા) પામતેલ ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. 
તેલીબિયાંની ઊપજ વધારવા વધુ સારું બિયારણ આવશ્યક : કૃષિ સચિવ
તેલીબિયાંનું ઉત્પાદન વધારીને ખાદ્ય તેલોની આયાત નિર્ભરતા ઘટાડવા માટે વૈજ્ઞાનિકોએ ઊપજ વધારે તેવી બિયારણની જાતો વિકસાવવી જોઈએ, એમ કૃષિ સચિવ સંજય અગ્રવાલે જણાવ્યું છે. 10મી સીડ કૉંગ્રેસને સંબોધતાં અગ્રવાલે ખેડૂતોને ઊંચી ગુણવત્તા ધરાવતાં બિયારણ ઉપલબ્ધ બને તે માટે વિશ્વની શ્રેષ્ઠ ટ્રેસેબિલિટી સિસ્ટમ સ્થાપવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે બિયારણની નિકાસને પ્રોત્સાહન આપવાની જરૂર હોવાનું પણ જણાવ્યું હતું. અગ્રવાલે કહ્યું કે સરકાર નવો બિયારણ કાયદો લાવી રહી છે અને તે માટે તેણે નિષ્ણાતો પાસે સૂચનો મગાવ્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer