ટૂંકા ગાળામાં રૂપિયો મજબૂત થવાના કોઈ ચાન્સ નથી

ટૂંકા ગાળામાં રૂપિયો મજબૂત થવાના કોઈ ચાન્સ નથી
  • અસંખ્ય બીલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બૅન્ક લોન લઇ રાખી છે તેનું શું થશે? 
  • જો વ્યાજદર નીચે જશે તો શક્ય છે કે ભારતમાં કમાવા આવેલી વિદેશી મૂડી પરત ખેંચાઈ જશે 
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 18 અૉક્ટો.
બજારોમાં દિવાળી પહેલાની નબળી ખરીદી અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધા જ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધા જ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનું પ્રતાબિંબ કરન્સી વેપારની ઊથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ્યાંકિત દર, 7 ટકા પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી ટૂંકાગાળામાં રૂપિયો મજબૂત થવાના કોઈ સંયોગ નથી. ફોરેકસ બજારમાં તેનું પ્રતાબિંબ સ્પષ્ટ જોવાય છે, વૈશ્વિક મંદીએ દરવાજે દસ્તક દઈ દીધા છે. બ્રેક્ઝિટની અૉક્ટોબર ડેડલાઈન અંતિમ તબક્કામાં આવી ગઈ છે. ચીન અમેરિકા ટ્રેડ વોર ઉકેલ હજુ દૂર છે અને ભારતમાં માગ એટલી બધી નબળી પડી છે કે વિકાસ અંદાજો દર વખતે ડાઉન ટ્રેન્ડ દાખવે છે. 
ભારતના બાંધકામ ઉદ્યોગનો વિકાસ ખોરંભાયો છે, તેની ચિંતાઓએ કરન્સી ટ્રેડર્સની વિધારધારામાં પરિવર્તન લાવી દીધું છે. આ ઉદ્યોગના વિકાસ અનુમાનો અત્યાર સુધી અણદેખ્યા કરાતા રહ્યા છે, ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં છે. ચિંતા એ છે કે અસંખ્ય બીલ્ડર/ડેવલપર્સએ હેસિયત બહાર બૅંક લોન લઇ રાખી છે, તેનું શુ થશે? જેમણે બૅન્કોને નવડાવી નાખી છે, તેવા ડેવલપરો ભયંકર નાણાભીડનો સામનો કરી રહ્યા છે. આ બધું ત્યારે બની રહ્યું છે જ્યારે અર્થતંત્ર ધીમું પડી ગયું છે.
કરન્સી એનાલિસ્ટ્સ કહે છે કે અધૂરા પ્રોજેક્ટ્સમાં બૅન્કોના 60 અબજ ડોલરના ધિરાણ છે. હવે તમે સમજી શકો છો કે અર્થતંત્ર અને બૅંક પર કેટલું જોખમ છે. આ બધું છતાં રિઝર્વ બૅંક અૉફ ઇન્ડિયાએ 4 અૉકટોબરે, આ વર્ષે સતત પાંચમી વખત, 0.25 ટકાની વ્યાજ કપાત જાહેર કરી. વ્યાજની આવક પર જીવવાવાળાની આવકમાં વધુ ઘટાડો થશે. ભારતીય કરન્સી નબળી પડી રહી છે, એ વાત વિદેશી રોકાણકારો માટે પ્રોત્સાહક નથી. જો ભારતમાં વ્યાજદર નીચે જશે તો શક્ય છે કે ભારતમાં કમાવા આવેલી વિદેશી મૂડી પરત ખેંચાઈ જશે. આ વિષચક્રમાં ઈકોનોમી વધુ દબાણમાં આવશે, ફૂગાવો વધશે અને રૂપિયો ધબાયનમ: થશે.  
બુધવારે ડોલર સામે રૂપિયો ખૂલતી બજારે 17 પૈસા નબળો પાડીને રૂ. 71.71 બોલાઈ, રૂ.71.44 બંધ થયો હતો. મંગળવારે એક જ દિવસમાં 31 પૈસા ઘટીને રૂ. 71.54 બંધ થતા, સૌથી મોટા દૈનિક ઘટાડાની આ મહિનાની પહેલી ઘટના હતી. ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ વાટાઘાટો પાટેથી ઊતરી ગયાના સામાચારો બાદ ભારતીય બજારમાં ડોલરમાં મોટી લેવાલી નીકળી હતી. 17 સપ્ટેમ્બરે રૂ. 71.78 બંધ થયા પછીનો આ નીચો ભાવ હતો.  
દરમિયાન ભારત સરકારના 10 વર્ષના બેન્ચમાર્ક બોન્ડનું યીલ્ડ 6.494 ટકાથી ઘટી 6.466 ટકા મુકાયું હતું. બોન્ડ યીલ્ડ અને કરન્સી દર હંમેશાં સામસામા પ્રવાહે બોલાતા હોય છે. એનાલિસ્ટો સાવચેતીના સૂરમાં કહે છે કે, જો અમેરિકા ચીન સામે વળતો બદલો લેવા, હૉંગકૉંગ આંદોલનને ટેકો આપવાનો ખરડો પસાર કરશે તો કરન્સી બજારમાં અણધાર્યા વમળો પેદા થવાની પૂરી શક્યતા છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો 2.1 ટકા નબળો પડ્યો છે, જ્યારે વિદેશી રોકાણકારોએ 8.29 અબજ ડોલરનાં શૅર અને 4 અબજ ડોલરના બોન્ડ ખરીધ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer