ઝવેરાત-ઇલેકટ્રોનિક માર્કેટની દિવાળી ફિક્કી રહેવાનાં એંધાણ

ઝવેરાત-ઇલેકટ્રોનિક માર્કેટની દિવાળી ફિક્કી રહેવાનાં એંધાણ
સોનામાં ઊંચા ભાવથી ઘરાકી ગાયબ- ઇલેકટ્રોનિક ચીજોનાં વેચાણમાં પણ મુકાતો કાપ 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 18 અૉકટો. 
આ વર્ષે દિવાળી ઉપર સોનું ખાસ નહિ ચમકે અને ઇલેક્ટ્રિકના વેચાણમાં પણ કોઈ જબકારો  નહિ હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ગઈ દિવાળીની સરખામણીમાં આ દિવાળીએ વેચાણ લગભગ 50%થી પણ ઓછું રહેવાનું અનુમાન છે, તેમ આ ક્ષેત્રના અગ્રણીઓએ જણાવ્યું છે. 
અમદાવાદ જ્વેલરી ઍસોસિયેશનના મહામંત્રી જિગર સોની જણાવે છે કે `અમદાવાદમાં બે-ચાર વર્ષ પહેલા ધનતેરસના રોજ લઘુત્તમ 500 કિલો સોનું અને 1500 થી 2000 કિલો ચાંદીનું વેચાણ થતું હતું પણ આ વર્ષે વેચાણમાં 50% સુધીનો ઘટાડો થાય એવી પૂરતી શક્યતા છે. 
અમદાવાદમાં નાના મોટા 5000 જેટલા જ્વેલરી શો રૂમ અને દુકાન આવેલી છે જ્યાં અત્યારે પણ ઘરાકી નથી. લોકો દિવાળી પૂર્વે દાગીનાના ઓર્ડર બુક કરાવવા આવતા હોય છે પણ અત્યારે ગ્રાહકો ફરકતા નથી. મુહૂર્ત સાચવવા માટે લોકો હવે ધનતેરસે નાની મોટી ખરીદી કરીને પૈસા બચાવી લે છે. સોનાનો ઊંચો ભાવ ઘરાકી ઉપર પ્રભાવ પાડી રહ્યો છે. સોનું 10 ગ્રામદીઠ રૂા. 40 હજારની નજીક પહોંચી ચૂક્યું છે એ કારણે લોકો બિનજરૂરી ખર્ચ કરતા હવે અચકાય રહ્યા છે. 
ઇલેક્ટ્રિકના શો રૂમો પણ હાલ ગ્રાહકોની રાહ જુએ છે. રિલીફ રોડ ઇલેક્ટ્રિક ઍસોસિયેશનના પ્રમુખ મેઘરાજભાઈ જણાવે છે કે `અૉનલાઈન વેચાણના કારણે દુકાનેથી ટીવી ફ્રીઝ કે અન્ય ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદનાર ઘટી ગયા છે. બીજી તરફ આ વર્ષે મંદીના કારણે ઘરાકી અર્ધો અર્ધ ઓછી થઈ ગઈ છે.' 
દિવાળીના દિવસોમાં  રિલીફ રોડ ઉપરથી જ 3 લાખ ટીવીનું વેચાણ થતું હતું પણ દિવાળીએ ખાસ ચમક વધે તેવું દેખાતું નથી. લોકોની ખરીદશક્તિ જ ઘટી ગઈ હોવાથી લોકો આવશ્યક હોય એવી ચીજો જ ખરીદી રહ્યાનું તેમણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer