સળંગ છઠ્ઠા દિવસે શૅરબજારમાં તેજી

સળંગ છઠ્ઠા દિવસે શૅરબજારમાં તેજી
ઈન્ટ્રાડેમાં રિલાયન્સનું માર્કેટ કૅપ $ 9 લાખ કરોડને પાર
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 અૉક્ટો.
ચીનની જીડીપી વૃદ્ધિ 27 વર્ષની નીચલી સપાટીએ 6 ટકા રહેતા વૈશ્વિક બજારમાં નબળાઈ છતાં ભારતીય શૅરબજારો સતત છઠ્ઠા દિવસે વધ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બૅન્ક, ટીસીએસ, લાર્સન ઍન્ડ ટુબ્રો (એલઍન્ડટી)ના ટેકે એસઍન્ડપી સેન્સેક્ષ 246 પૉઈન્ટ્સ (0.63 ટકા) વધીને 39298 ઉપર બંધ રહ્યો હતો. ઈન્ટ્રાડેમાં 30 શૅર્સનો ઈન્ડેક્સ 39361 અને 38964ની નીચલી સપાટીને સ્પર્શ્યો હતો. 
સૂચકાંકમાં સૌથી વધુ યસ બૅન્કનો શૅર 8 ટકાથી પણ વધુ વધ્યો હતો અને તાતા મોટર્સનો શૅર સૌથી વધુ 1 ટકા 
ઘટયો હતો. 
વ્યાપક બજારમાં મિડ અને સ્મોલકૅપ સૂચકાંકો બંને વધ્યા હતા. બીએસઈ મિડકૅપ ઈન્ડેક્સ 253 પૉઈન્ટ્સ (1.78 ટકા) વધીને 14420 પૉઈન્ટ્સ અને બીએસઈ સ્મોલકૅપ ઈન્ડેક્સ 213 પૉઈન્ટ્સ (1.65 ટકા) વધીને 13,127 ઉપર બંધ રહ્યો હતો. 
એનએસઈમાં નિફ્ટી 50 આજે 75.50 પૉઈન્ટ્સ (0.65 ટકા) વધીને 11662ના સ્તરે બંધ રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્ષ અને નિફ્ટી ત્રણ ટકા વધ્યા હતા. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી આઈટીને બાદ કરતા દરેક સૂચકાંકો વધ્યા હતા. રિયલ્ટી શૅર્સ સૌથી વધુ વધ્યા હતા તે પછી મેટલ અને પીએસયુ બૅન્કના શૅર્સ વધ્યા હતા. નિફ્ટી રિયલ્ટી સૂચકાંક બે ટકા વધીને 262.80 ઉપર બંધ રહ્યો હતો.  
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ $ 9 લાખ કરોડના માર્કેટ કૅપિટલાઈઝેશનને પાર કરનારી પહેલી ભારતીય કંપની બની છે. આજે સત્ર દરમિયાન કંપનીનો શૅર $ 1428ની ઉપલી સપાટીને સ્પર્શયો હતો. ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ (બીએચઈએલ)નો શૅર્સ 27 ટકા વધીને $ 56.45 ઉપર નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઈ)માં બંધ રહ્યો હતો. સરકાર ભેલમાં હિસ્સો ઘટાડવાની વિચારણા કરતી હોવા છતાં કંપનીનો શૅર વધ્યો હતો. ઈન્ટ્રાડેમાં શૅર એક દાયકાથી પણ વધુ સમય કરતાં ઊંચે ગયો હતો. શૅર અંતે 22.22 ટકા વધીને $ 54 ઉપર બંધ રહ્યો હતો. 
ચીનના જીડીપીના આંકડા બાદ એશિયાનાં બજારોમાં નબળાઈ આવી હતી. એમએસસીઆઈનો જપાન બહારનો બ્રોડેસ્ટ ઈન્ડેક્સ એશિયા-પેસિફિક શૅર્સ 0.3 ટકા ઘટયો હતો. અૉસ્ટ્રેલિયાના શૅર્સ 0.52 ટકા ઘટયા હતા અને ચાઈનીઝ બ્લૂ-ચિપ 1.53 ટકા ઘટયા હતા. જપાનનો નિક્કી 0.18 ટકા વધ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer