રોકાણ આકર્ષવા માટે નક્કર કામ કરવું પડશે કમલનાથ

રોકાણ આકર્ષવા માટે નક્કર કામ કરવું પડશે કમલનાથ
મધ્યપ્રદેશ મેગ્નિફિશન્ટ સમિટનો આરંભ
નરેન્દ્ર જોશી
ઈન્દોર, તા. 18 અૉક્ટો.
અમે રોકાણ આકર્ષવા માટે નક્કર કામ કરવા એકત્રિત થયા છીએ, એમ મેગ્નિફિશન્ટ મધ્યપ્રદેશ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્ય પ્રધાન કમલનાથે અહીં જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને કહ્યું કે રોકાણને સફળ થવા માટે ઉત્તમ માળખાકીય સુવિધા આવશ્યક છે અને તે માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં કૉંગ્રેસ સરકારના શાસનના દસ મહિનામાં રૂા. 32 હજાર કરોડનું રોકાણ આવ્યું છે અને હજી વધુ રોકાણની દરખાસ્તો આવી રહી છે.
ફાર્માસ્યુટિકલ, ટેક્સ્ટાઈલ, ટૂરિઝમ, ફૂડ પ્રોસેસિંગ, અૉટો અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ ક્ષેત્રે મધ્યપ્રદેશ પ્રગતિ કરી રહ્યું હોવાનું મુખ્ય પ્રધાન કમલનાથે જણાવ્યું હતું.
સરકાર વહીવટી તંત્રમાં સુધારા કરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
વ્યસ્ત હોવાના કારણે ઉપસ્થિત નહીં રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ સંદેશામાં કહ્યું કે મધ્યપ્રદેશ દેશના મધ્યસ્થાને નહીં, પરંતુ અમારા મનના કેન્દ્રસ્થાને વસેલું છે. રિલાયન્સ ઉદ્યોગ સમૂહ દ્વારા મધ્યપ્રદેશમાં સૌથી વધુ રૂા. 20 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને જિઓ તમામ સહકાર મધ્યપ્રદેશ સરકારને આપશે એમ અંબાણીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer