$ 7.50 અબજની ડયૂટી નાખી ટ્રમ્પે યુરોપ સામે ટેરિફ યુદ્ધ છેડ્યું

$ 7.50 અબજની ડયૂટી નાખી ટ્રમ્પે યુરોપ સામે ટેરિફ યુદ્ધ છેડ્યું
એજન્સીસ 
વાશિંગટન, તા. 18 અૉક્ટો.
અમેરિકાએ આજે યુરોપિયન યુનિયનના દેશોમાંથી આવતા 7.5 અબજ ડૉલરના માલસામાન પર આયાત જકાત નાખી હતી. વળતાં પગલાંની ધમકી છતાં આ જાહેરાત કરવામાં આવી હતી અને તે ગુરુ-શુક્રની મધરાતથી અમલી બની હતી. એર બસ, ફ્રેન્ચ વાઈન અને સ્કોટિશ વ્હિસ્કીને  ખાસ લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા.   
પરિસ્થિતિને બચાવવા યુરોપિયન અધિકારીઓ અને અમેરિકાના વેપારી પ્રતિનિધિઓ વચ્ચે છેલ્લી ઘડીની મંત્રણા નિષ્ફળ ગઈ એ પછી આ પગલું લેવામાં આવ્યું હતું. 
અમેરિકા અને ચીન વચ્ચે વેપારી યુદ્ધ ચાલી રહ્યું છે તે દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરતા વેપાર વિશ્વમાં ખળભળાટ મચ્યો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને પણ આ પગલાંને મંજૂરી આપી છે. આને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા વધુ અસ્થિર બને એવું જોખમ રહે છે. 
યુરોપના જે ચાર દેશોએ ભેગા મળીને એર બસ કંપની બનાવી છે તે બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને સ્પેનના નાગરિક વિમાનની નિકાસ 10 ટકા મોંઘી બનશે.   
આ આક્રમક પગલામાં ટ્રમ્પે કન્ઝ્યુમર ગૂડ્સને પણ આવરી લીધા છે. તાજેતરમાં તેમણે જગપ્રસિદ્ધ ફ્રેન્ચ વાઈન પર જકાત નાખવાની વાત કરી હતી. ફ્રાન્સ, સ્પેન, અને જર્મન વાઈન પર હવે 25 ટકા જકાત લાગશે. 
નવા જકાત દર અમલમાં આવે એ પહેલાં ફ્રાન્સના ઈકોનોમી મિનિસ્ટર બ્રુનો લે મેઇરે  આવાં પગલાંનાં ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer