સુનામીથી બચવા દીવાલ બનાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 5 નવે.
ગ્લોબલ વોર્મિંગને કારણે સદીના અંત સુધીમાં સમુદ્રમાં જળસ્તર વધવાની શક્યતા છે જેનાથી ભારતના પશ્ચિમ કાંઠે આવેલા ગુજરાત સહિત મુંબઈના કાંઠા વિસ્તારોમાં સુનામીનો ખતરો વધુ છે. ગુજરાતમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો આવેલો છે. સમુદ્રની સપાટી વધતા ભરતીના મોજાને કારણે ગુજરાતના કાંઠે જમીન ખવાઇ રહી છે તેથી રૂા.450 કરોડના ખર્ચે 448 કિલોમીટર લાંબી દિવાલ દરિયાકાંઠે બનાવવાનું કામ આ વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે. 
ગુજરાતના સિંચાઇ વિભાગ અને સીડબ્લ્યુસી વચ્ચે દરિયા કાંઠાનો અહેવાલ તૈયાર કરવા માટે કરાર થયા હતા, જેમાં દરિયાકાંઠે 2થી 3 મીટર ઊંચી દિવાલ બની રહી છે. વલસાડના નાની દાંતી અને મોટી દાંતી વચ્ચે 64 કિ.મી.ની દીવાલ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે, નવસારીના ઓજલ માછીવાડ ગામ, ભાટ ગામ તથા વલસાડના નાની દાંતી-મોટી દાંતી ગામ પર દરિયાના મોજા ફરી વળતા હોવાથી તેનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડના 41 ગામને દરિયા કાંઠા ધોવાણની સમસ્યા છે. આ ગામોમાં સરકારે દરિયાને રોકવા માટે દીવાલ બનાવી છે. હજુ બીજા 60 ગામોમાં આવી સમસ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer