કાપડ-હીરાબજારોમાં ચાલુ છે દિવાળી પછીનું વૅકેશન!

માર્કેટો વ્યવસ્થિત ખૂલવામાં હજી એક સપ્તાહ લાગશે
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 5 નવે.
દિવાળી પછી તમામ બજારો શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ હીરા અને કાપડ બજારમાં વૅકેશન મૂડ છે! હીરા ઉદ્યોગમાં 21 દિવસનું વૅકેશન પડે છે. જ્યારે કાપડ માર્કેટમાં પાંચ દિવસનું વૅકેશન પડયું હતું તે પૂરું થયું નથી.   કાપડ ઉદ્યોગમાં ભારે મંદી હોવાથી વીવિંગનાં એકમોએ દસ દિવસની રજા પાળી છે. કાપડ માર્કેટો પરંપરાગત રીતે લાભપાંચમથી ખૂલે છે. જોકે, હજુ શહેરની કાપડ માર્કેટો ખૂલી નથી. ચાલુ સપ્તાહથી માંડ 20 ટકા દુકાનો ખૂલી છે. સોમવારથી કાપડ માર્કેટો રાબેતા મુજબ શરૂ થશે.  ફેસ્ટા દ્વારા ચોથી નવેમ્બરથી દુકાનો ખૂલવાનો પરિપત્ર બહાર પડાયા બાદ કેટલાંક વેપારીઓએ આ મામલે વિરોધ કર્યો હતો. જોકે, લાભપાંચમથી દુકાનો ખોલવાની વાતો કરનાર વેપારીઓ હજુ પણ માર્કેટોમાં ફરક્યા ન હોવાનું ચિત્ર ખડું થયું છે.  સતત ટ્રાફિકથી ઊભરાયેલાં રહેતાં રીંગરોડ વિસ્તારમાં કાપડનાં વેપારીઓ વૅકેશને ઉપડી ગયા હોવાથી ટ્રાફિકની ચહલપહલ પાંખી જોવા મળી છે. બીજી તરફ હીરાઉદ્યોગનાં સંગઠનોની ઓફિસો 15મીથી શરૂ થશે તેમજ શાળાઓમાં દિવાળી વૅકેશન પૂર્ણ થતાં કારીગર વર્ગ આગામી સપ્તાહથી સુરત પરત ફરશે અને 18મીથી ફરી કામ પર ચઢશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer