પેમેન્ટ નહીં લાવનારા નિકાસકારો ઉપર આફત

$ એક લાખ સુધી ડેક્લેરેશનમાંથી મુક્તિ આપવા ગ્રેટર ચેમ્બરની માગ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 5 નવે.
વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ, ટ્રેડવોર અને ડામાડોળ થઇ ગયેલી ભૂરાજકીય પરિસ્થિતિને લીધે અસંખ્ય નિકાસકારોએ નિકાસ કરેલા માલના પેમેન્ટ વિદેશમાં અટવાઇ પડયાં છે. લાંબા સમયથી પેમેન્ટ છૂટતા નહીં હોવાથી કેન્દ્રના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર દ્વારા નિકાસકારો ઉપર પેમેન્ટ કઢાવવા પૂછપરછો અને દબાણ લાવવામાં આવતા હવે ચિંતાનો માહોલ ઉદ્યોગ ક્ષેત્રમાં સર્જાયો છે. પ્રમાણિક અને નાના નિકાસકારોની દશા કફોડી થઇ છે ત્યારે આવા વર્ગને સરકારે ગુનેગારની નજરે ન જોવા એવી માગણી ઉઠી છે.
ગ્રેટર રાજકોટ ચેમ્બર અૉફ કૉમર્સના પ્રમુખ ધનસુખ વોરા કહે છે, પાછલા બે વર્ષમાં કોઇ નિકાસકારને પેમેન્ટ વિદેશમાંથી ન આવ્યા હોય તેવી એક લાખ ડૉલર સુધીની રકમ હોય તો તેમને પેમેન્ટ ન આવ્યાના ડેક્લેરેશન કરવામાંથી મુક્તિ આપવી જોઇએ. રિઝર્વ બૅન્કને અમે આ મુદ્દે કહ્યું છે. મુદ્દો ગંભીર છે પણ સરકારનો ઇ.ડી. વિભાગ નિકાસકારોને ગુનેગાર ગણવા લાગ્યો છે.
તેમના મતે સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિસ્તારોમાંથી ઔદ્યોગિક તથા કૃષિ ચીજોની મોટાંપાયે નિકાસ થાય છે. નિકાસકારો નાના કે મધ્યમ કક્ષાના હોય છે. મોટેભાગે ખરીદનાર પાર્ટી સાથે જૂની શાખ અને વિશ્વાસને આધારે કામકાજ થતું હોય છે. પેમેન્ટ બૅન્ક ગેરંટી કે એલ.સી. મારફત થાય છે. જોકે, મંદીને કારણે વિદેશમાં ખરીદી કરનારી ઘણી પાર્ટીઓ અૉફિસો બંધ કરીને ભાગી છૂટી હોય છે. કેટલીક પેઢી ચાલુ હોય તો પેમેન્ટ કરવા સક્ષમ હોતી નથી. આવા સંજોગમાં વેપારી પોતે ય નુક્સાન ભોગવીને માંડ ધંધો સાચવતો હોય છે.
આર્થિક મુશ્કેલીમાં રિઝર્વ બૅન્ક દ્વારા નિકાસકારોને પેમેન્ટ પાછા મેળવવા પજવવામાં આવે છે. લાંબી પૂછપરછો થાય છે. એનાથી નાના લોકો મુશ્કેલીમાં મૂકાય છે. નિકાસ વખતે કરેલા ડેક્લેરેશનના આધારે પેમેન્ટ લાવવાની જવાબદારી બૅન્ક દ્વારા બતાવવામાં આવે છે. સરકારે આવા ડેક્લેરેશનમાંથી મુક્તિ આપીને નિકાસકારોને જીવાડવા જોઇએ.
કેન્દ્રના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર ફોજદારી પગલાં લેવાની પણ સત્તા ધરાવે છે ત્યારે નાના નિકાસકારોમાં ફફડાટ ફેલાયો છે. ઉદ્યોગકારો કહે છે, મોટાં કૌભાંડકાર દેશમાંથી ભાગી છૂટે છે ત્યારે નાના નિકાસકારો વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં મદદરૂપ થાય છે. સંજોગવશાત પૈસા વિદેશમાંથી ન આવે ત્યારે એને દોષિત ગણવાને બદલે રાહત પહોંચાડવી જોઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer