ઉઝબેકિસ્તાન લીઝ ઉપર ખેતી માટે શ્રેષ્ઠ

મુખ્ય પ્રધાન સાથે ઉઝબેક ગયેલા ઉદ્યોગપતિઓનો અભ્યાસ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 5 નવે.
કઠોળની ખેતી માટે આફ્રિકન દેશો તરફ નજર દોડાવી રહેલા ગુજરાતીઓ માટે ઉઝબેકિસ્તાન દેશમાં પણ ખેતીમાં રોકાણ કરીને કમાણી કરવાની પૂરતી તક છે. ઉઝબેકિસ્તાન દેશમાં લીઝ ઉપર ખેતીની જમીનો મળે છે અને ટૅક્સમાં પણ છૂટછાટ મળતી હોવાથી રોકાણ માટે ઉત્તમ દેશ બની રહે તેમ હોવાનું તાજેતરમાં આ દેશના મુલાકાતે ગયેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું.
19થી23 અૉક્ટોબર દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સાથે 42 લોકોનું પ્રતિનિધિ મંડળ ઉઝબેકિસ્તાન ગયું હતું. ત્યાં વેપારની તકો તપાસીને કેટલાક એમઓયુ પણ કર્યાં હતાં. જોકે, ખેતીની તકો ય મોટી હોવાનું સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ કહ્યું હતું.
ફીઓ સૌરાષ્ટ્રના ચૅરમૅન પાર્થ ગણાત્રા યાત્રામાં જોડાયા હતા તે કહે છે, ઉઝબેકિસ્તાન સરકારના પ્રધાનો અને પ્રતિનિધિઓ સાથે અમે બેઠકો કરી હતી. એમાં ખેતી માટેની શક્યતા તપાસાઇ હતી. પ્રાથમિક તબક્કે ત્યાં બહુ સારી તક દેખાઇ છે.  કપાસ, ઘઉં અને ફળ પાકો માટે ઉત્તમ વાતાવરણ છે. ત્યાંની સરકાર દ્વારા 100 એકર કે તેથી વધારે જમીન 49 વર્ષની લીઝ આપવામાં આવે છે. જોકે, એમાં પ્રથમ સાત વર્ષ સુધી કોઇ ટૅક્સ લાગતો નથી. એ પછી પણ જંત્રી પ્રમાણે 20થી 80 ડૉલર સુધીનો ટૅક્સ લાગે છે. ત્યાંની કરન્સી રૂપિયા સામે ઘણી નબળી છે એટલે ભારતીયોને ફાયદો મળે તેમ છે.
ઉઝબેકિસ્તાનની ખેતી આધુનિક નથી અને રોજગારીના પણ પ્રશ્નો છે એટલે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને આકર્ષવા ઇચ્છે છે. ત્યાં લીઝ પર જમીનો લઇને બોર-તળાવ કે કૂવા પણ થઇ શકે છે. ત્યાંના ખેડૂતો આધુનિક નથી એટલે ભારતમાંથી શીખે એ પણ ત્યાંની સરકારનો હેતુ છે. 
ગણાત્રા કહે છે, ઉઝબેકિસ્તાનમાં ક્રાઇમ રેટ લગભગ ઝીરો જેટલો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સારું છે. સ્વચ્છતાના આગ્રહીઓ છે અને ખાસ કરીને ટાઉન પ્લાનિંગ પણ સુવ્યવસ્થિત છે. મહત્તમ તાપમાન 27-28 ડિગ્રી કરતા વધતું નથી એટલે સાહસિકોને તકલીફ પડે તેમ નથી.
રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ ઉઝબેકિસ્તાન ગયા હતા. તેમણે જણાવ્યું કે, 40 લાખ હેક્ટર જગ્યા આ દેશમાં ખેતીલાયક છે. મજૂરો પણ બહોળી સંખ્યામાં મળે છે માત્ર સાહસિકોએ ત્યાં ખેતી કરવા જવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવવા માટે કોઇ સમસ્યા નડે તેમ નથી. શિક્ષણનું પ્રમાણ ખૂબ સારું છે એટલે લોકો અને સરકાર સમસ્યાઓ કે પડકારો સામે જાગૃત છે.ખેતી ઉપરાંત ટુરિઝમ અને માઇનિંગ ઉદ્યોગ માટે પણ તક છે. તેમણે કહ્યું કે, મુખ્ય મંત્રીએ બન્ને દેશો વચ્ચે પરસ્પરનો વેપાર વધે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો. ખેતી અને ફૂડ પ્રોસેસિંગમાં ગુજરાતી લોકો સહભાગી થાય તેવી તેમની ઇચ્છા રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer