અર્થતંત્રને વધુ નુક્સાન થતું અટકશે - ઉદ્યોગકારો

ભારતે આરસેપ કરારમાં નહીં જોડાવાના નિર્ણયને સર્વત્ર આવકાર 
વ્યાપાર ટીમ
અમદાવાદ/સુરત, તા. 5 નવે.
બૅંગકોક મુકામે યોજાયેલી એશિયા દેશોની સમિટમાં રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (આરસીઈપી )માં ભારતે સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે. એનાથી ગુજરાતભરના વેપાર-ઉદ્યોગ સંગઠનોએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું છે. એ સાથે ઉદ્યોગ-ધંધાની વધુ માઠી દશા થતી અટકી હોવાથી ધરપત થઇ છે. 
ગુજરાત ચેમ્બર્સ અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી ના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું  હતું કે ભારત સરકાર દ્વારા આ કરારમાં ન જોડાવા માટે જે પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે તે સરાહનીય છે. આપણે વિકશીલ દેશ તરીકે હરણફાળ ભરી રહ્યા છે ત્યારે સ્વભાવિક રીતે જ  નિકાસ કરતા વધારે છે તે સમતોલ કરવાની જરૂર છે. હાલની પરિસ્થિતિમાં જો ભારત એમાં જોડાયો હોત તો  અર્થતંત્ર પડે ભાંગવાનો ડર હતો.  
મસ્કતી કાપડ માર્કેટ મહાજન અમદાવદના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે સૌથી વધુ અસર ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને પાડવાની હતી. જે હાલ  એક વર્ષ પૂરતી ટળી ગઈ છે જેના પરિણામે  ઉદ્યોગકારો હાશકારો  અનુભવ્યો છે. ચીન સહિત અન્ય દેશો સાથે એક વર્ષ સુધી ખોટી ભાવ હરીફાઈ નહિ કરવી પડે.  
ભગતે વધુમાં  જણાવ્યું હતું કે  એક તરફી કરારથી અનેક નાના મોટા યુનિટો બંધ થવાનો ડર હતો. બેરોજગારી પણ વધી શકે તેમ હતું.  જો ભવિષ્યમાં આ કરારમાં જોડાવાનું થાય તો સ્થાનિક ઉદ્યોગો, ખેડૂતો, વ્યાપારીઓ અને રોજગારીના મહત્ત્વના મુદ્દા ઉપર સરકાર ખાસ ધ્યાન આપશે તેવી વેપારી જગત ને અપેક્ષા છે.ભારત આ પાર્ટનરશીપમાં સામેલ નથી થયું તેની ઉજવણી કરતા બીજી દિવાળી આવી હોઈ તેવો માહોલ છે, પરંતુ પ્રોસેસ હોઉસોએ અત્યારથી જ ભવિષ્યમાં આવનારી હરીફાઈ માટે સજ્જ થવું પડશે. 
કાપડ, ડેરી ઉદ્યોગ સહિતનાં ઉદ્યોગોએ સરકારનાં નિર્ણયને વધાવ્યો છે. સુરતનાં કાપડઉદ્યોગનાં સંગઠનોએ આરસેપ મામલે સરકારમાં રજૂઆતો કરી કરારમાં નહિ જોડાવા માટે અપીલ કરી હતી. 
દક્ષિણ ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સદય નેજા હેઠળ તાજેતરમાં કાપડઉદ્યોગનાં વિવિધ સંગઠનો અને અગ્રણી ઉદ્યોગકારો વચ્ચે યોજાયેલી બેઠકમાં સરકારને રજૂઆત કરી આરસેપ કરારથી થનારા નુકસાનની ચર્ચા કરવામાં આવી હતી. ભારત જો આરસેપ કરારમાં જોડાય તો ચીન પોતાનું આધિપત્ય જમાવી ભારતમાં મોટા પ્રમાણમાં કાપડનું ડમ્પિંગ કરે તો સ્થાનિક ઉદ્યોગને ભારે નુકસાન પહોંચવાની દહેશત હતી. 
વિવિંગ ઉદ્યોગનાં સંગઠન ફીઆસ્વીનાં નેજા હેઠળ દેશનાં અગ્રણી ઉદ્યોગકાર રિલાયન્સનાં મુકેશ અંબાણીને પત્ર લખી આરસેપથી થનારી મુશ્કેલી વિશે સરકારમાં રજૂઆત કરવા માટે અપીલ કરી હતી. વડા પ્રધાનને વિરોધ કરતાં પોસ્ટકાર્ડ પણ લખવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર અૉઇલ મિલર્સ ઍસોસિયેશન દ્વારા પણ આરસેપ કરારમાં ભારતે ન જોડાવું જોઇએ તેવી માગ કરવામાં આવી હતી. માગ સંતોષાતા હવે વેપાર ઉદ્યોગની ચિંતા ટળી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer