સોનાના ઊંચા ભાવથી ભારતમાં માગ ત્રણ વર્ષના નીચલા સ્તરે રહેશે ડબ્લ્યુજીસી

મુંબઈ, તા. 5 નવે.
સોનાના સ્થાનિક ભાવ નોંધપાત્ર વધવાથી અને સોનાના મુખ્ય ખરીદદાર ગ્રામીણ ક્ષેત્રની આવક ઘટવાથી આ વર્ષે દેશમાં સોનાની માગ ઘટીને તેનાં ત્રણ વર્ષના નીચલા સ્તરે પહોંચવાની શક્યતા હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)એ જણાવ્યું છે. આ વર્ષે સોનાની માગ ગયા વર્ષ કરતાં આઠ ટકા ઘટીને 2016ના ન્યૂનતમ સ્તરે લગભગ 700 ટન જેટલી થઈ શકે છે, એમ ભારતમાં ડબ્લ્યુજીસીના મૅનેજિંગ ડિરેક્ટર પી. આર. સોમસુંદરમનું કહેવું છે. સપ્ટેમ્બરમાં પૂરાં થયેલાં ત્રિમાસિકના અંતે દેશમાં સોનાનો વપરાશ ગયા વર્ષના સમાનગાળા કરતાં લગભગ 33 ટકા ઘટીને 123.9 ટનનો થયો છે.
વિશ્વમાં સોનાના વપરાશમાં બીજા ક્રમની સૌથી મોટી બજાર ભારતમાં આ વર્ષે અત્યાર સુધીમાં ભાવ 17 ટકા જેવા વધ્યા છે, પરંતુ આયાત ઘટવાથી દેશની વેપાર ખાધ હળવી થશે. સોનાના ઊંચા ભાવની સાથે ગ્રામીણ ક્ષેત્રની નબળી મનોવૃત્તિને લીધે પણ સોનાની માગને અસર થઈ છે. વધુમાં અતિશય વરસાદથી પણ પાકને નુકસાન થયું છે, એમ અધિકારીએ જણાવ્યું છે.
સંપત્તિનો સંગ્રહ પરંપરાગત રીતે આભૂષણોમાં થાય છે એવા દેશના ગ્રામીણ વિસ્તારની સોનાની માગ લગભગ 33 ટકા જેટલી હોય છે.
ઘરઆંગણે સોનાના ભાવમાં ઉછાળો અને આયાત ડયૂટી વધવાથી જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન સોનાની માગ ઘટી હતી એમ ડબ્લ્યુજીસીએ જણાવ્યું છે. ડિસેમ્બરમાં પૂરાં થતાં ત્રિમાસિકના અંતે સોનાની માગ ગયા વર્ષના 236.5 ટન કરતાં ઓછી રહી શકે છે, એમ સોમસુંદરમનું જણાવવું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer