યુરિયાના વધુ ઉપયોગથી જમીનની ગુણવત્તા કથળી છે

નવી દિલ્હી, તા. 5 નવે.
નાઈટ્રોજનયુક્ત ફર્ટિલાઈઝર્સનો વધુ પડતો ઉપયોગ અટકાવીને ખેતીની જમીનની ગુણવત્તા સુધારવા કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા હોવા છતાં છેલ્લાં બે વર્ષમાં તેમાં નજીવો સુધારો જોવા મળ્યો છે. એનપીકે (નાઈટ્રોજન-ફોસ્ફરસ-પોટેશિયમ)ના વપરાશનો આદર્શ રેશિયો 4:2:1 છે. તેની સામે 2017-18માં આ રેશિયો 6.10:2.46:1 હતો અને 2015-16માં 7.23:2.9:1 હતો. રેશિયોમાં નજીવો સુધારો જોવા મળે છે, છતાં તે આદર્શ પ્રમાણથી હજુ ઘણો દૂર છે. 2014-15માં શરૂ કરાયેલી સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો પોતાની જમીનની ગુણવત્તા ચકાસી શકે છે અને તેના આધારે ખાતરોના યોગ્ય વપરાશ વિશે સૂચનો મેળવી શકે છે. નાઈટ્રોજનયુક્ત ફર્ટિલાઈઝર્સના આડેધડ વપરાશથી જમીન અને પાક બંનેને નુકસાન થાય છે. તેનાથી ભૂગર્ભ જળ પણ દૂષિત થાય છે. ફર્ટિલાઈઝર્સમાં રહેલો નાઈટ્રોજન જમીનમાં રહેલા બેક્ટેરિયા દ્વારા નાઈટ્રેટમાં રૂપાંતરિત થઈને ભૂગર્ભનાં જળને દૂષિત કરે છે તેમ જ ઝરણાં અને નદીઓમાં પ્રવેશીને જમીનની સપાટીને નુકસાન પહોંચાડે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer